કોવિડ પીડિતોને વળતર: “નો-ફોલ્ટ” કંપેન્સેશન પોલિસી, ન્યાય તરફ મોટું પગલું કે નવો પડકાર?

No Fault Compensation: સુપ્રીમ કોર્ટે હાલમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કેન્દ્ર સરકારને કોવિડ-19 વેક્સીનની ગંભીર સાઇડ ઇફેક્ટ્સ અથવા એમાંથી થતા મૃત્યુ માટે ‘નો-ફોલ્ટ’ કંપેન્સેશન પોલિસી બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ ચુકાદા મુજબ, પ્રભાવિત પરિવારોને સાબિત કરવાની જરૂર નહીં રહે કે મૃત્યુ અથવા ગંભીર અસર માટે રાજ્ય સરકાર કોઈ રીતે જવાબદાર છે. રાજ્યની જવાબદારી છે કે તે જાહેર આરોગ્ય અભિયાન દરમિયાન થતી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ માટે રાહત પુરી પાડે. આ નિર્ણય એવા અરજીકર્તાઓની અરજી પર આવ્યો છે, જેઓ વેક્સીન લીધા બાદ મૃત્યુ અથવા ગંભીર આરોગ્ય સમસ્યાનો દાવો કરી રહ્યા હતા. આ નિર્ણય ન્યાયની દિશામાં એક ખૂબ મોટું પગલું માનવામાં આવે છે.
આ નિર્ણયના અમલીકરણમાં ઘણા પડકારો છે, કારણ કે તેની અમલવારીમાં એવી ઘણી જટિલતાઓ છે કે જેમાં સાચું કારણ શોધવું ક્યારેક અશક્ય પણ બની શકે છે. પરંતુ એક દેશ અને સમાજ તરીકે આપણને આ નિર્ણયની ઊંડાઈ સમજવી જરૂરી છે. આ નિર્ણય શરૂઆતમાં કદાચ અવ્યવહારુ લાગી શકે, પરંતુ લાંબા ગાળે તે નિર્ણાયક સાબિત થશે. આ ચુકાદાની પૃષ્ઠભૂમિમાં COVID-19 મહામારી દરમિયાન ભારતમાં ચલાવવામાં આવેલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. એ સમયે કરોડો લોકોને રસી આપવામાં આવી હતી, જેણે સંક્રમણના દરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જોકે, સરકારી ડેટા એ પણ દર્શાવે છે કે રસીકરણ પછી કેટલાક મૃત્યુ થયા છે. વેક્સીન બનાવનારોએ પણ સ્વીકાર્યું હતું કે કેટલાક કેસોમાં સાઇડ ઇફેક્ટ શક્ય છે. દુનિયાની કોઈ પણ વેક્સીન પોતે 100 ટકા સુરક્ષિત હોવાનો દાવો કરી શકતી નથી. છતાં પણ સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારની વેક્સીનો સામાન્ય લોકોના આરોગ્યની સુરક્ષા માટે આપવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે કલમ 21 હેઠળ જીવન અને આરોગ્યના અધિકારને આધાર બનાવીને કહ્યું કે, જ્યારે વેક્સીનેશન રાજ્ય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે, ત્યારે અસરગ્રસ્ત લોકોને લાંબી કાનૂની લડાઈને બદલે સીધું વળતર મળવું જોઈએ. “નો-ફોલ્ટ” નો અર્થ છે કે દોષ સાબિત કર્યા વગર રાહત આપવામાં આવે — આવી વ્યવસ્થા અનેક વિકસિત દેશોમાં પહેલેથી જ અમલમાં છે.
પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ વ્યવસ્થા ભારત જેવા વિકાસશીલ દેશમાં વાસ્તવમાં શક્ય છે? સૌથી મોટો પડકાર તેની અમલવારી છે. વેક્સીનની સાઇડ ઇફેક્ટ્સ સાબિત કરવી વૈજ્ઞાનિક રીતે ઘણી જટિલ છે. કોવિશિલ્ડ અથવા કોવેક્સિન જેવી કોવિડ વેક્સીન લીધા પછી દેશમાં અસંખ્ય મૃત્યુ થયા છે, પરંતુ દરેક દાવાની ચકાસણી કેવી રીતે કરી શકાય? કોર્ટે આરોગ્ય મંત્રાલયને નીતિ વિકસાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ સરકાર આવી સાર્વત્રિક પ્રક્રિયા બનાવી શકશે કે કેમ તે શંકાસ્પદ છે. ઉદાહરણ તરીકે, યુએસ અથવા યુકેમાં આવી નીતિઓ છે, પરંતુ ત્યાં મજબૂત આરોગ્ય ડેટા સિસ્ટમ ઉપલબ્ધ છે, જેના કારણે આવા કેસોની તપાસ અને નિર્ણય લેવામાં સરળતા રહે છે.
ભારતમાં ગ્રામ્ય વિસ્તારો તો છોડો, શહેરોમાં પણ ઘણા સ્થળોએ એવા મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ નથી કે અદાલતમાં સાબિત કરી શકાય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ COVIDના કારણે થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં તો મેડિકલ રેકોર્ડની સ્થિતિ વધુ નબળી છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું વેક્સીન અને મૃત્યુ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવા માટે નિષ્ણાતોની પેનલ બનાવવામાં આવશે? જો આવું થાય, તો શું સરકાર પાસે એટલા પ્રશાસકીય સંસાધનો છે કે તે આ પ્રક્રિયા અમલમાં મૂકી શકે? આરોગ્ય મંત્રાલય પહેલાથી જ AEFI (રસીકરણ પછીની પ્રતિકૂળ અસરો)ની દેખરેખ રાખે છે, પરંતુ મૃત્યુના કેસોમાં તપાસ ઘણી વખત લાંબા સમય સુધી ચાલે છે. નવી પોલિસી લાગુ થશે તો દાવાઓની સંખ્યા વધી શકે છે, જેમાં સાચા અને ખોટા બંને પ્રકારના કેસો સામેલ થઈ શકે છે. તે ઉપરાંત, દેશભરમાં દલાલોનુ એક રેકેટ સક્રિય થવાની પણ આશંકા છે, જે સામાન્ય મૃત્યુને પણ COVID-19 મૃત્યુ તરીકે દાવો કરશે. આવી સ્થિતિમાં સિસ્ટમના દુરુપયોગનો ખતરો વધી શકે છે અને આર્થિક ભાર પણ ઘણો વધી શકે છે.
આ ઉપરાંત, આ નિર્ણય વેક્સીન બનાવતી કંપનીઓની જવાબદારી પર પણ અસર કરી શકે છે. હાલમાં વેક્સીન કંપનીઓ ઇન્ડેમ્નિટી ક્લોઝ હેઠળ સુરક્ષિત છે, એટલે કે તેઓ સીધી રીતે જવાબદાર માનવામાં આવતી નથી. જો રાજ્ય વળતર આપશે, તો શું તે કંપનીઓને વધુ બેદરકાર બનાવશે? વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો WHOની COVAX યોજનામાં પણ આવી જોગવાઈઓ છે. પરંતુ ભારત જેવા દેશમાં, જ્યાં વેક્સીનનું આયાત પણ થાય છે અને સ્થાનિક ઉત્પાદન પણ થાય છે, ત્યાં આ પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે.
આ બધાની વચ્ચે પણ એ વાત નકારી શકાય નહીં કે લોકશાહી સમાજમાં રાજ્યની જવાબદારી માત્ર વેક્સીન ઉપલબ્ધ કરાવવાની નથી, પરંતુ તેના જોખમોને સંભાળવાની પણ છે. મહામારીએ બતાવ્યું કે રસીકરણ એક સામૂહિક પ્રયાસ હતો, પરંતુ કેટલીક વ્યક્તિઓએ તેની વ્યક્તિગત કિંમત પણ ચૂકવી છે. આવી સ્થિતિમાં’નો-ફોલ્ટ’ પોલિસી ન્યાય સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. આ નિર્ણય કલમ 21ને વધુ મજબૂત બનાવે છે, કારણ કે આ કલમ જીવનના અધિકારને માત્ર નકારાત્મક અર્થમાં (હાનિ ન પહોંચાડવી) નહીં, પરંતુ સકારાત્મક અર્થમાં (રક્ષણ કરવું) પણ જુએ છે.
કોર્ટે કહ્યું કે રાજ્યએ જાહેર આરોગ્યની સુરક્ષા કરવાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ, જેનાથી લોકોનો વિશ્વાસ વધશે. કલ્પના કરો કે ભવિષ્યમાં કોઈ નવી મહામારી આવે, તો લોકો વેક્સીનથી ડરશે નહીં, કારણ કે તેમને ખબર હશે કે કોઈ દુર્ઘટના બને તો સહાય મળશે. આ સામાજિક ન્યાયનું પ્રતિક છે, જ્યાં ગરીબ પરિવારોને કોર્ટમાં લાંબી કાનૂની પ્રક્રિયા લડવાની જરૂર નહીં રહે. ઘણા કેસોમાં, જેમ કે બે યુવતીઓના મૃત્યુ અંગે દાખલ થયેલી અરજીઓમાં, પરિવારોએ લાંબો સંઘર્ષ કર્યો હતો. આ નિર્ણય તેમને રાહત આપશે અને સમાજને સંદેશ આપશે કે રાજ્ય તેના નાગરિકો સાથે ઉભું છે.
આ પણ વાંચો: ભાજપને મહિષાસુર મર્દિનીના આશીર્વાદ, આ તૃણમુલ કોંગ્રેસના અંતની શરૂઆત PM મોદીના બંગાળમાં TMC પર આકરા પ્રહારો












