જે દેશને ટ્રમ્પ કહે છે ‘ડેડ ઇકોનોમિ’, ત્યાંજ ફૂલી ફાલી રહી છે અમેરિકી કંપનીઓ, જો વળતો પ્રહાર થશે તો…

નવી દિલ્હી, 12 ઓગસ્ટ, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર વધુ ગાળીયો કસવા જઇ રહ્યા છે. ક્યારેક ટ્રમ્પ ભારતને ‘ટેરિફ કિંગ’ કહે છે, તો ક્યારેક ભારતના અર્થતંત્રને ‘ડેડ’ કહે છે. ટ્રમ્પે ભારતીય ચીજોની આયાત પર પણ 50 ટકા ટેરિફ લગાવી છે. પરંતુ વાસ્તવિકતા એ છે અમેરિકાની કંપનીઓ જેમ કે મેક્ડોનાલ્ડ્ઝ અને કોકા-કોલાથી લઇને એમેઝોન અને એપલ જેવી અનેક મોટી કંપનીઓનો ભારતમાં કારોબાર ફેલાયેલો છે. આજે પણ ભારત અમેરિકાનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. એવામાં જો ભારત પણ બદલો લેવા માટે ઉતરી આવશે તો અમેરિકાને પણ ફાંફા પડી શકે છે.
અમેરિકન કંપનીઓ ભારતમાં વ્યવસાય કરી રહી છે
ટ્રમ્પ ભારતને ‘મૃત અર્થતંત્ર’ કહી રહ્યા છે, પરંતુ આ જ દેશમાં ઘણી અમેરિકન કંપનીઓનો વ્યવસાય ફૂલીફાલી રહ્યો છે. દેશમાં ભાગ્યે જ કોઈ ક્ષેત્ર એવું હશે જ્યાં અમેરિકન કંપનીઓ હાજર ન હોય. અલબત્ત, અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાથી ભારતીય નિકાસ પર અસર થશે, પરંતુ જો ભારત બદલો લેવાનું નક્કી કરે છે, તો અમેરિકાને અબજોનું નુકસાન થશે.
ઘણી અમેરિકન કંપનીઓ ભારતમાં વ્યવસાય કરી રહી છે જેમ કે એજિલેન્ટ, એમેઝોન, એડોબ સિસ્ટમ્સ ઇન્કોર્પોરેટેડ, અમેરિકન એક્સપ્રેસ, એમવે, એપલ ઇન્ક., કોકા કોલા, પેપ્સીકો ઇન્ડિયા, ફોર્ડ, કેટરપિલર, જનરલ મોટર્સ, જીલેટ, ગૂગલ, હનીવેલ ઇન્ડિયા, આઇબીએમ, એગ્રો ટેક, ઇન્ટેલ, જેપી મોર્ગન, મેકડોનાલ્ડ્સ, મેટલાઇફ ઇન્ડિયા, માઇક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેનલી, પિઝા હટ, કેએફસી ઓરેકલ, ટાઇમેક્સ, વ્હર્લપૂલ વગેરે. આ યાદી ઘણી લાંબી છે.
ટેકનોલોજીથી લઈને ઓટોમોબાઇલ, બેંકિંગ અને ફાઇનાન્સ સુધી, એમ અનેક ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓ હાજર છે. ભારતની ટોચની 20 આઇટી કંપનીઓને જોઇએ તો, તેમાંની મોટાભાગની અમેરિકન છે. અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરીને ભારે નફો કમાઈ રહી છે.
ભારત અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પણ ખૂબ મોટા પાયે થાય છે. નાણાકીય વર્ષ 2024-25 માં, બંને દેશો વચ્ચે કુલ 131.84 અબજ યુએસ ડોલરનો વેપાર થયો હતો. આ સમયગાળા દરમિયાન, ભારતની અમેરિકામાં નિકાસ 86.51 અબજ યુએસ ડોલર હતી. તે જ સમયે, અમેરિકાએ 45.33 અબજ ડોલરનો માલ ભારત મોકલ્યો હતો. આ કોઈ તાજેતરની વાત નથી, પરંતુ ભારત ઘણા વર્ષોથી અમેરિકાનો મુખ્ય વેપારી ભાગીદાર રહ્યો છે. એક તરફ, જ્યારે ભારત અમેરિકા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો, વિમાનના ભાગો, કોલસો ખરીદે છે. તે જ સમયે, અમેરિકા ભારત પાસેથી ફાર્માસ્યુટિકલ્સ, ટેકનોલોજી, જેમ્સ અને જ્વેલરી જેવા ઘણા ઉત્પાદનો પણ ખરીદે છે. એટલે કે, બંને એકબીજા પર નિર્ભર છે.
જો ભારત બદલો લે તો શું થશે?
તાજેતરમાં, આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ અશોક કુમાર મિત્તલે ટ્રમ્પની ટેરિફ નીતિની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પને લખેલા ખુલ્લા પત્રમાં તેમણે કહ્યું, “તમે ભારતને ‘મૃત અર્થતંત્ર’ કહ્યું છે, પરંતુ આ જ ‘મૃત અર્થતંત્ર’ ભારતનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. તે ટૂંક સમયમાં ત્રીજુ સ્થાન હાંસલ કરશે. અમેરિકન કંપનીઓ શિક્ષણ, ટેકનોલોજી, નાણાં અને બૌદ્ધિક સંપદા ક્ષેત્રે વાર્ષિક 80 અબજ ડોલરથી વધુની કમાણી કરી રહી છે.”
આ પણ વાંચોઃ એશિયન માર્કેટને અવગણતા સેન્સેક્સ અને નિફ્ટીનો નબળો પ્રારંભ












