ટ્રેન્ડિંગનેશનલમીડિયા

‘ભ્રષ્ટ જજ પહેલા પણ હતા અને આજે પણ છે’, મદ્રાસ હાઈકોર્ટની મોટી ટિપ્પણી

 comment from the Madras High Court:   મદ્રાસ હાઈકોર્ટે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મુદ્દે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે એ વાતથી ઇનકાર કરી શકાય નહીં. ભ્રષ્ટ જજ પહેલા પણ હતા અને આજે પણ છે.”

આ ટિપ્પણી તમિલ ફિલ્મ ‘કરુપ્પુ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવતા કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં કોર્ટ અને ન્યાયિક વ્યવસ્થાનું અપમાનજનક ચિત્રણ કરવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મદ્રાસ હાઈકોર્ટમાં વકીલ આર.એસ. તમિલવેંદમે અરજી દાખલ કરીને ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી હતી. અરજીકર્તાનો આરોપ હતો કે ફિલ્મના નિર્દેશક આરજે બાલાજી અને અભિનેતા સુર્યા તથા તૃષા અભિનીત આ ફિલ્મ સમગ્ર ન્યાયતંત્રને ખરાબ રીતે રજૂ કરે છે.

જોકે જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણનની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે જજોને “હોલી કાઉ” સમાન ગણવાની જરૂર નથી અને ન્યાયતંત્ર સામાન્ય લોકોની ટીકા કરતાં ઉપર નથી.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.પી. ભરુચાના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં લગભગ 20 ટકા જજ ભ્રષ્ટ હોઈ શકે છે. સાથે જ વરિષ્ઠ વકીલો શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ફિલ્મમાં દર્શાવાયેલ વધારેલા ચિત્રણને સંપૂર્ણ સમર્થન આપતું નથી, પરંતુ સત્યથી આંખો મીંચી પણ શકાતી નથી. હાઈકોર્ટે જણાવ્યું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના કેસો સામે આવતા રહે છે અને આવા જજ વિરુદ્ધ વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવે છે.

ફિલ્મ ‘કરુપ્પુ’ની વાત કરીએ તો, રિપોર્ટ મુજબ તેની વાર્તા ‘સેવન વેલ્સ’ નામની કલ્પિત કોર્ટની આસપાસ ગોઠવાઈ છે. ફિલ્મમાં એક ભ્રષ્ટ જજ અને વકીલ વચ્ચેની સાંઠગાંઠ દર્શાવવામાં આવી છે, જે કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરે છે.

જસ્ટિસ સ્વામીનાથને પોતાના આદેશમાં જણાવ્યું હતું કે તેમણે ફિલ્મ જોઈ છે અને તેને બેન કરવી યોગ્ય નથી. કોર્ટે વધુમાં કહ્યું કે તમિલ સિનેમામાં ઘણીવાર ઘટનાઓને વધારીને અને નાટકીય રીતે રજૂ કરવામાં આવે છે. તેથી ફિલ્મને પણ તે જ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે.

આ પણ વાંચો : સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 36 સેક્શન અધિકારીની બદલી, 81 નાયબ સેક્શન અધિકારીને બઢતી મળી

Back to top button