સુરત મનપામાં કમિશનરનો સપાટો: સપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેતા નાયબ આરોગ્ય અધિકારી સસ્પેન્ડ

સુરત 16 ફેબ્રુઆરી 2026: સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન અત્યારે પૂરેપૂરા ‘એક્શન મોડ’માં જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારીનું વાતાવરણ સુદ્રઢ કરવા માટે તેમણે એક મોટું કદમ ઉઠાવ્યું છે. સેન્ટ્રલ ઝોનના ભાગળ વિસ્તારમાં સફાઈ કામગીરીના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સૂચના હોવા છતાં ગેરહાજર રહેલા નાયબ આરોગ્ય અધિકારી ડૉ. એ.પી. ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા પાલિકાના અન્ય અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વહેલી સવારે કમિશનર મેદાને
સુરત મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬ના માસ દરમિયાન વિવિધ થીમ પર આધારિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ‘માર્કેટ અને તેની આજુબાજુના વિસ્તારની સફાઈ’ની થીમ નક્કી કરવામાં આવી હતી. આ કામગીરીનું વાસ્તવિક નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર પોતે વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા.

બેદરકારી સામે કડક વલણ
નિરીક્ષણ દરમિયાન કમિશનરે નોંધ્યું કે, પૂર્વ સૂચના આપવામાં આવી હોવા છતાં નાયબ આરોગ્ય અધિકારી ડૉ. એ.પી. ભટ્ટ સ્થળ પર હાજર નહોતા. ઉચ્ચ અધિકારીની આ ગેરહાજરીને કમિશનરે ફરજ પ્રત્યેની ઘોર બેદરકારી અને શિસ્તભંગ ગણાવી હતી. જાહેર આરોગ્ય સાથે જોડાયેલી કામગીરીમાં આવી શિથિલતા ચલાવી લેવાય નહીં તેવા સ્પષ્ટ અભિગમ સાથે તેમણે સ્થળ પર જ સસ્પેન્શનનો નિર્ણય લીધો હતો.
ખાતાકીય તપાસના આદેશ
સત્તાવાર હુકમમાં જણાવ્યા અનુસાર, ડૉ. ભટ્ટ એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી છે. ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)ના નિયમો હેઠળ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. કમિશનરની આ કડક કાર્યવાહીએ સંદેશ આપ્યો છે કે પ્રજાના હિત અને શહેરની સ્વચ્છતા બાબતે કોઈ પણ સ્તરની લાપરવાહી સાંખી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને સ્પ્રેનો ઓવરડોઝ આપીને હત્યા કરાવી












