23 વર્ષ બાદ વિધવાને મળ્યું રૂ. 8.91 લાખનું વળતર, CJIએ ભાવુક થઈને કહ્યું- ‘ગરીબના ચહેરા પર સ્મિત એ જ સાચી કમાણી’

નવી દિલ્હી: 11 ડિસેમ્બર, 2025: દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ગુરૂવારે (11 ડિસેમ્બર) એક વિધવા મહિલાને વળતરની રકમ અપાવ્યા બાદ કહ્યું કે, “અદાલતનો હેતુ માત્ર એ છે કે એક ગરીબ વ્યક્તિના ચહેરા પર સ્મિત આવે અને ન્યાયાલયને તેનાથી વધુ કંઈ જોઈતું નથી.” હકીકતમાં, સુપ્રીમ કોર્ટની પહેલ બાદ રેલવેએ લગભગ 23 વર્ષ પછી બિહારની એક વિધવાને શોધીને તેના બેન્ક ખાતામાં રૂ. 8.92 લાખનું વળતર જમા કરાવ્યું છે.
23 વર્ષ બાદ વળતર મળ્યું
CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે, આટલા વર્ષો પછી વિધવા મહિલાને શોધવી ખૂબ જ મુશ્કેલ કામ હતું, કારણ કે તે બિહારના એક દૂરના ગામમાં પોતાનું સરનામું બદલી ચૂકી હતી અને તેના સ્થાનિક વકીલનું નિધન થઈ ગયું હતું, જેના કારણે સંપર્ક તૂટી ગયો હતો.
CJI નું નિવેદન
CJI એ રેલવેની મહેનત અને વકીલ ફૌઝિયા શકીલની પ્રશંસા કરી, જેમણે વિધવાનો કેસ ફી લીધા વિના લડ્યો. તેમણે કહ્યું, “આ યુવા વકીલે 23 વર્ષ પછી વિધવાને વળતર અપાવ્યું. અમારે પોલીસ અને સ્થાનિક તંત્રની મદદ પણ લેવી પડી. રેલવેએ આખરે ચૂકવણી કરી દીધી છે. ગરીબના ચહેરા પર સ્મિત એ જ અમારી સાચી કમાણી છે.”
20 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ
મહિલાના પતિ વિજય સિંહનું 21 માર્ચ, 2002ના રોજ બખ્તિયારપુરથી પટના જતી ભગલપુર–દાનાપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ચડતી વખતે ભીડને કારણે ટ્રેનમાંથી પડી જવાથી મોત થયું હતું.
નીચલી કોર્ટનો ચુકાદો
વિધવાએ વળતર માટે રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ અને પટના હાઇકોર્ટમાં અરજી કરી, પરંતુ બંને જગ્યાએ દાવો એ કહીને ફગાવી દેવાયો કે મૃતક માનસિક રીતે અસ્વસ્થ હતા.
સુપ્રીમ કોર્ટનો દાવો
2023માં સુપ્રીમ કોર્ટે આ તર્કને ‘હાસ્યાસ્પદ, કાલ્પનિક અને રેકોર્ડની વિરુદ્ધ’ ગણાવ્યો. SC એ કહ્યું કે, “જો મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોત, તો તે પોતે ટિકિટ કેવી રીતે ખરીદી શક્યા હોત અને ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કેવી રીતે કરી શક્યા હોત?” સુપ્રીમ કોર્ટે રેલવેને 2 મહિનામાં ₹4 લાખ અને 6% વ્યાજ આપવાનો આદેશ આપ્યો હતો. જોકે સ્થાનિક વકીલના નિધનથી આ આદેશ મહિલા સુધી પહોંચી શક્યો નહોતો.
રેલવેએ SC ની મદદ માંગી
રેલવેએ સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેઓ મહિલાને શોધી શકતા નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે ઇસ્ટર્ન રેલવેને બે મોટા અખબારોમાં જાહેરાત આપવાનો આદેશ આપ્યો. આખરે પોલીસ અને રેલવેએ શોધખોળ કર્યા બાદ મહિલા અને તેમના પરિવારને શોધી કાઢ્યા અને 13 નવેમ્બર, 2025ના રોજ તેમના બેંક ખાતામાં રૂ. 8,92,953 જમા કરાવ્યા.












