માતાએ 8 મહિનાની પુત્રીને ટાંકીમાં ડુબાડીને મારી નાંખી, પછી પોતે પણ કર્યો આપઘાત, જાણો શું છે મામલો

છોટા ઉદેપુર: ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંખેડા તાલુકામાં એક મહિલાએ તેની આઠ મહિનાની પુત્રીની કથિત રીતે હત્યા કરી નાંખી. ત્યારબાદ તેણે પોતે પણ ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી, એમ એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
પુત્રીની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીપલસાટ ગામની રહેવાસી સંગીતા ભીલે બુધવારે કથિત રીતે તેની આઠ મહિનાની પુત્રીને તેના ઘર પાસેની ખુલ્લી ટાંકીમાં ડૂબાડી દીધી હતી. તે સમયે તેનો પતિ ગિરીશ દૂધ લેવા માટે બહાર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પુત્રી ડૂબી ગઈ છે, જ્યારે પત્નિ સંગીતા ગુમ છે. તેમને સંગીતાનો મૃતદેહ તેમના ઘરથી લગભગ 150 મીટર દૂર એક ઝાડ પર લટકતો મળ્યો.
ગિરીશના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો કે…
અધિકારીના જણાવ્યા મુજબ, ગિરીશના પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે સંગીતા કૌટુંબિક વિવાદને કારણે તણાવમાં હતી અને તેને ડર હતો કે તેના માતા-પિતા તેને ગિરીશથી છીનવી લેશે. બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા. અધિકારીએ કહ્યું કે કેસની તપાસ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
રાજકોટમાં પણ મહિલાની હત્યા
તમને જણાવી દઈએ કે, ગુજરાતના રાજકોટ શહેરમાં બીજી એક ઘટનામાં, 33 વર્ષીય મહિલા પર તેના જ ઘર નજીક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતા, સ્નેહા આસોડિયા, શનિવારે સાંજે ભગવતીપરા વિસ્તારમાં તેના ઘરેથી નજીકના રેસ્ટોરન્ટમાં જવા માટે નીકળી હતી અને પાછી ફરી ન હતી.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ બી.વી. જાધવે જણાવ્યું કે, રવિવારે સવારે તેનો મૃતદેહ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના ઘર નજીક એક ઉજ્જડ ગલીમાં મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે તેના પર તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ચહેરા અને માથા પર ઈજાઓ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ તેના પતિ હિતેશ આસોડિયાને કહ્યું હતું કે તે પાણીપુરી ખાવા માટે બહાર જઈ રહી છે પરંતુ પાછી આવી નહીં.
આ પણ વાંચો: સરકારી ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે ખુશીના સમાચાર












