
Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષની શિસ્ત જાળવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી દરમિયાન પાર્ટીના આદેશ (વ્હીપ)નું પાલન ન કરનાર એક ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય સહિત કુલ 6 કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પક્ષના પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. AAPએ આ કાર્યવાહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને સંગઠનના નિર્ણયનો અનાદર કરવા બદલ કરી હોવાનું સામે આવ્યું છે.
કદવાલ તાલુકા પંચાયતમાં સત્તા માટે રસાકસી
મળતી માહિતી પ્રમાણે કદવાલ તાલુકા પંચાયતની સ્થિતિ ખૂબ જ રસપ્રદ બની હતી. અહીં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે સરખી 8-8 બેઠકો હતી. જેના કારણે પ્રમુખ પદની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે કડક ટક્કર હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરંતુ પ્રમુખ પદની પસંદગી માટે યોજાયેલા મતદાન સમયે AAPના એક ચૂંટાયેલા સદસ્ય ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીના કારણે પાર્ટી બહુમતી ગુમાવી બેઠી હતી અને તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો હતો. પરિણામે કદવાલ તાલુકા પંચાયતનું શાસન ભાજપના હાથમાં ગયું હતું.
પ્રદેશ નેતૃત્વે ઘટનાની ગંભીર નોંધ લીધી
પાર્ટીના આદેશનું પાલન ન થવાથી AAPના પ્રદેશ નેતૃત્વે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી હતી. પક્ષના નિયમો અને શિસ્તનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરતા એક તાલુકા પંચાયત સદસ્ય અને અન્ય 5 કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા લોકોની યાદી
- રમણ બારિયા – ચૂંટાયેલા સદસ્ય, કદવાલ બેઠક (ગામ: સિંગાપુર, કદવાલ)
- પર્વત રાઠવા – ગામ: ગઢ, ભીખાપુરા
- રાજેન્દ્ર બારિયા – ગામ: કદવાલ
- પ્રકાશ બારીયા – ગામ: કદવાલ
- મનજી રાઠવા – ગામ: ઝરી, કદવાલ
- જીવન બારિયા – ગામ: કદવાલ
AAPના આ નિર્ણય બાદ સ્થાનિક સંગઠનમાં સંદેશો ગયો છે કે પક્ષના નિર્ણય અને વ્હીપનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. બીજી તરફ, આ કાર્યવાહીથી છોટા ઉદેપુરના રાજકીય માહોલમાં ચર્ચાઓ તેજ બની છે.
આ પણ વાંચો: અમદાવાદ એસ.જી. હાઈવે પર હિટ એન્ડ રન: અજાણ્યા વાહનની ટક્કરે 32 વર્ષીય બાઈકસવારનું મોત












