ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં અઢી વર્ષે તથ્ય પટેલ સામે ચાર્જશીટ દાખલ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝડપી કાર્યવાહી
7 દિવસમાં ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ
પિતા સામે પણ ચાર્જશીટ ફાઈલ કરાઈ
અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચઢાવી 9 લોકોના જીવ લીધા હતા. જો કે, આશરે અઢી વર્ષ બાદ તથ્ય સામે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવા અને સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. તેની સાથે સાથે પિતા પ્રજ્ઞેશ પટેલ પર પણ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જજે તેમની પર લાગેલી કલમો બોલી, કાગળ ઉપર સહી લીધી હતી. હવે સાક્ષીઓ તપાસવાની કામગીરી શરૂ થશે.
આરોપી તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPC ની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે, તેમાંથી ડિસ્ચાર્જ મેળવવા હાઇકોર્ટમાં અરજી થઈ છે, જે અરજી પેન્ડિંગ છે.
2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે. સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી, જોકે તેને તેની પર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. એને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતાં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી, જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી.












