ગુજરાત

ચૈતર વસાવા કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ: શકુંતલા વસાવા સહિત 5 દોષિતોને મળ્યા જામીન

Chaitar Vasava Wife Shakuntala Granted Bail: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ચર્ચાસ્પદ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સામેના હાઈપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વન વિભાગના કર્મચારીને માર મારવા અને હવામાં ગોળીબાર કરવાના કેસમાં નીચલી કોર્ટે 9 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે હાઇકોર્ટે ધારાસભ્યના પત્ની સહિત 5 દોષિતોની જામીન અરજી મંજૂર કરી છે.

વર્ષ 2023ની ઘટના અને વિવાદની શરૂઆત

આ વિવાદ વર્ષ 2023 નો છે, જ્યારે જંગલની ખાલી જગ્યાઓમાં ગ્રામીણોએ કપાસનું વાવેતર કર્યું હતું. વન અધિકારીઓએ તે જગ્યા ખાલી કરાવી સામાન વેચી દીધો હતો, જેના વિરોધમાં ગામલોકોએ ધારાસભ્યનો સંપર્ક કર્યો હતો. મિટિંગમાં અધિકારીઓ વળતર આપવા સંમત થયા હોવા છતાં બાદમાં ઉચ્ચ અધિકારીઓના આદેશથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવામાં ફાયરિંગ અને ધમકીઓનો આરોપ

ફરિયાદ અનુસાર ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને ઘરે બોલાવી 60,000 રૂપિયાનું વળતર માંગ્યું હતું અને ગાળો આપી ધમકી આપી હતી. તેમજ ઘરમાંથી રિવોલ્વર મંગાવી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ દબાણ હેઠળ વનકર્મીઓએ એટીએમ (ATM) દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી. આ મામલે પોલીસે 9 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટે 23 જૂન ના રોજ 5 પુરુષ અને 4 મહિલાઓ સહિત તમામ 9 આરોપીઓને દોષી જાહેર કરી 7 વર્ષની કેદની સજા તથા ₹25,000 નો દંડ ફટકાર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા 5 દોષિતોના જામીન મંજૂર

નીચલી કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઇકોર્ટે શકુંતલા વસાવા, રમેશ વસાવા, મરિયમ વસાવા, બલિરામ વસાવા અને મોગરાબેન વસાવા એમ કુલ 5 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે આ પાંચેય મુખ્ય આરોપી નહોતા અને તેઓએ કોઈને ઇજા પહોંચાડી ન હતી. અગાઉ 17 દિવસનું બાળક ધરાવતી મહિલા આરોપીને જામીન મળ્યા હતા, અને હવે હાઇકોર્ટે અન્ય 5 લોકોને રાહત આપી છે. જોકે, મુખ્ય આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા સહિત હજુ 3 આરોપીઓ જેલમાં જ રહેશે અને કાનૂની લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: ડ્રગ્સ સામે સરકારની કડક કાર્યવાહી, 34 જિલ્લામાં ખુલશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર

Back to top button