બિઝનેસ

IDBI બેંકના ખાનગીકરણ સામે કર્મચારીઓ આક્રમક: 10,000 થી વધુ બેંક કર્મીઓ દ્વારા 2 અને 3 નવેમ્બરના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન

IDBI Bank Employees To Strike: કેન્દ્ર સરકારની પ્રસ્તાવિત IDBI બેંકના ખાનગીકરણની યોજના સામે બેંક કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેંકના 10,000 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં આગામી 2 અને 3 નવેમ્બરના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાળ પર જવાની સત્તાવાર જાહેરાત કરી છે. ‘યુનાઈટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોયીઝ’ ના બેનર હેઠળ લેવાયેલા આ નિર્ણય અનુસાર, સંગઠને કેન્દ્ર સરકાર અને બેંક મેનેજમેન્ટ સમક્ષ ખાનગીકરણની સમગ્ર પ્રક્રિયાને તુરંત બંધ કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે. કર્મચારીઓની આ હડતાળથી દેશભરમાં બેંકિંગ સેવાઓ પર વ્યાપક અસર પડવાની પૂરી સંભાવના છે.

“સરકાર અને LIC ના સહયોગથી બેંક બેઠી થઈ”

કર્મચારી સંઘનું સ્પષ્ટપણે કહેવું છે કે બેંકની વર્તમાન મજબૂત નાણાકીય પરિસ્થિતિ પાછળ કોઈપણ ખાનગી રોકાણકારનો કોઈ ફાળો નથી. વર્ષ 2016 થી 2020 ની વચ્ચે RBI ની સમીક્ષામાં મોટી સંખ્યામાં નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) બહાર આવતા બેંકને મોટું નુકસાન થયું હતું. આ કટોકટીના સમયમાં કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ સંયુક્ત રીતે ₹46,000 કરોડથી વધુની મૂડી સહાય પૂરી પાડીને બેંકને ઉગારી લીધી હતી. મુશ્કેલ સમયમાં પણ કર્મચારીઓએ ગ્રાહકોનો અખંડ વિશ્વાસ જાળવી રાખીને બેંકિંગ સેવાઓ અવિરત ચાલુ રાખી હતી, જેથી આજે ખાનગીકરણનો નિર્ણય લેવો વ્યાજબી નથી.

શાનદાર આંકડાઓ સાથે બેંકની સધ્ધરતા સાબિત

યુનિયને બેંકના પ્રભાવશાળી નાણાકીય આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું છે કે IDBI બેંકે છેલ્લા 6 વર્ષમાં ₹30,100 કરોડથી વધુનો સંચિત ચોખ્ખો નફો કમાયો છે. વર્ષ 2018 માં જે બેંકનો ગ્રોસ NPA રેશિયો ઊંચો રહીને 31.78 ટકા હતો, તે ઘટીને હવે માત્ર 2.30 ટકા પર આવી ગયો છે. આ ઉપરાંત ચોખ્ખો NPA રેશિયો 0.16 ટકા, મૂડી પર્યાપ્તતા રેશિયો 26.38 ટકા અને પ્રોવિઝન કવરેજ રેશિયો 99.31 ટકા સુધી પહોંચી ગયો છે. કર્મચારી સંગઠનનું માનવું છે કે જ્યારે બેંક આટલી નફાકારક અને સધ્ધર સ્થિતિમાં છે, ત્યારે તેને ખાનગી હાથોમાં સોંપવાનો કોઈ તર્ક બનતો નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પારદર્શિતાના અભાવ સામે વિરોધ

કર્મચારી સંગઠને પ્રસ્તાવિત મૂલ્યાંકન અને ખાનગીકરણની પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુનિયનને શંકા છે કે સરકાર બેંકનું નિયંત્રણ કેનેડાના ‘ફેરફેક્સ ગ્રુપ’ ને સોંપવાની દિશામાં આગળ વધી રહી છે, જેમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ છે. કર્મચારીઓ, સરકાર અને LIC ના સંયુક્ત પરસેવાથી બેંક આજે આ મુકામે પહોંચી છે, તેથી આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે તેવી માંગ સાથે કર્મીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે.

આ પણ વાંચો: પશ્વિમ એશિયા સંકટ વચ્ચે રિલાયન્સે બદલી રમત, યૂરોપથી આફ્રિકા સુધી 50% વધારી ભાગીદારી

Back to top button