ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ મહિનાનો પગાર એડવાન્સમાં મળી જશે

central government employees september salary: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર 2026નો પગાર, વેતન અને પેન્શન સામાન્ય સમય કરતાં વહેલા એટલે કે 25 સપ્ટેમ્બર, શુક્રવારે ચૂકવવામાં આવી શકે છે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા સંરક્ષણ, પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડશે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના મેમોરેન્ડમ મુજબ, 25 સપ્ટેમ્બરે ચૂકવવામાં આવતો સપ્ટેમ્બર મહિનાનો પગાર, વેતન અને પેન્શન એડવાન્સ પેમેન્ટ તરીકે ગણાશે. સપ્ટેમ્બર મહિનાની અંતિમ ગણતરી બાદ જો કોઈ રકમનું સમાયોજન જરૂરી બનશે તો તે ઓક્ટોબર 2026ના પગાર અથવા વેતનમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ઔદ્યોગિક કર્મચારીઓના વેતન માટે પણ આ જ વ્યવસ્થા લાગુ થઈ શકે છે.

પગાર-પેન્શન વહેલા આપવાનો નિર્ણય કેમ?

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. હડતાળના થોડા દિવસ પહેલાં જ સપ્તાહાંત આવતો હોવાથી બેંકિંગ કામગીરી લાંબા સમય સુધી પ્રભાવિત થવાની આશંકા ઊભી થઈ હતી. આ સ્થિતિમાં મહિનાના અંતે થનારા સરકારી પગાર, પેન્શન અને અન્ય નાણાકીય વ્યવહારો અટવાઈ ન જાય તે માટે સરકારે ચુકવણી વહેલી કરવાની વ્યવસ્થા કરી છે.

28થી 30 સપ્ટેમ્બરની હડતાળ યથાવત

બેંક કર્મચારી સંગઠનોએ સરકાર અને બેંક મેનેજમેન્ટની અપીલ છતાં ત્રણ દિવસની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 22 સપ્ટેમ્બરે ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ યોજાયેલી સમાધાન બેઠકમાં UFBU, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA), ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બેંક મેનેજમેન્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, પરંતુ મુખ્ય મુદ્દે સમાધાન થઈ શક્યું નહોતું.

બેંક યુનિયનોની મુખ્ય માંગ ફાઈવ-ડે બેંકિંગ વીક લાગુ કરવાની છે. હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જ્યારે યુનિયનો તમામ શનિવારે રજા રાખીને સોમવારથી શુક્રવાર સુધી પાંચ દિવસ કામકાજની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે.

રવિવાર 27 સપ્ટેમ્બરે બેંકો ખુલ્લી રહેશે

ગ્રાહકોને સતત અનેક દિવસ સુધી બેંકિંગ સેવાઓમાં મુશ્કેલી ન પડે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 27 સપ્ટેમ્બર, રવિવારે તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સામાન્ય રીતે કાર્યરત રહેશે.

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર RBIએ 27 સપ્ટેમ્બરે બેંક શાખાઓ, કચેરીઓ, ATM-લિંક શાખાઓ અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવા મંજૂરી આપી છે. સરકારે બેંક કર્મચારી સંગઠનોને હડતાળ મોકૂફ રાખવાની અપીલ પણ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હડતાળમાં કઈ સેવાઓ પર અસર થઈ શકે?

28થી 30 સપ્ટેમ્બર દરમિયાન હડતાળ થાય તો જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓમાં રોકડ જમા અને ઉપાડ, ચેક ક્લિયરિંગ, પાસબુક સંબંધિત કામગીરી તથા અન્ય કાઉન્ટર સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બેંકોએ પણ ગ્રાહકોને જરૂરી શાખા-આધારિત કામગીરી અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપી છે.

જોકે, UPI, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે. તેથી ગ્રાહકોને અત્યંત જરૂરી શાખા-આધારિત કામ સમયસર પૂર્ણ કરવા અને હડતાળ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ: ભાદરવાની ભયંકર ગરમી વચ્ચે 47 તાલુકામાં વરસાદ

Back to top button