નવરાત્રી પર વરસાદનું સંકટ: બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, તા.20 સપ્ટેમ્બર, 2025: હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદી ખતરો યથાવત રહ્યો છે. બંગાળની ખાડી પર સર્જાયેલી અને મહારાષ્ટ્ર પર થઈને આગળ વધેલી વરસાદી સિસ્ટમ હાલમાં ગુજરાત પર સક્રિય થઈ છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાંથી પસાર થઈને ખંભાતના અખાત પર પહોંચી છે અને હવે તે અરબી સમુદ્ર તરફ આગળ વધશે.સિસ્ટમ થોડી ધીમી પડી હોવા છતાં, અરબી સમુદ્રમાં પહોંચતા પહેલાં તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે.
30 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 30મી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં અષાઢી માહોલ
આસો મહિનામાં રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4.09 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, તાલાલામાં 2.17 ઇંચ, કેશોદમાં 2.13 ઇંચ, માળીયા હાટીનામાં 2.13 ઇંચ અને ઉનામાં 2.01 ઇંચ વરસાદ નોંધાયો હતો. કુલ 120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 115.10 ટકા નોંધાયો છે, જેમાં કચ્છ (140.23%) અને દક્ષિણ ગુજરાત (121.72%) માં સારો વરસાદ થયો છે. ગુજરાતમાં 206 જળાશયોમાં 95.30 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. 114 ડેમ સંપૂર્ણપણે (સો ટકા) ભરાયેલા છે, જ્યારે 150 ડેમ હાઈ એલર્ટ પર મૂકાયા છે. નર્મદા ડેમ હાલમાં તેની ક્ષમતાના 98 ટકા ભરાયેલો છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.












