જગદીપ ધનખડના રાજીનામાંથી વધ્યું ભાજપનું ટેન્શન, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની સંભાવના

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ભાજપ માટે રાજકીય ગતિવિધિઓમાં નવો તણાવ ઉભો થયો છે. આ ઘટનાની અસર હવે પાર્ટીના સર્વોચ્ચ પદ — રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પર પણ પડતી જોવા મળી રહી છે. સંઘ સાથેના સંકલન સહિતના સંગઠનાત્મક મુદ્દાઓ વચ્ચે હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પણ ભાજપ માટે નવો ચિંતાનો વિષય બની છે, જેના પરિણામે અધ્યક્ષપદની ચૂંટણી લંબાવવાની સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે.
નવા પાર્ટી અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ ફરી બંધ થઈ છે. જેના લીધે અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ ખોરંભે ચડ્યો છે. હાલ ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ હોવાથી પક્ષની સંગઠન ચૂંટણી પાછળ ઠેલવાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે.
બિહાર વિધાનસભા ચૂંટણીથી પણ રાજકારણ ગરમાયું
હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ પણ સંગઠનની ચૂંટણી પર કોઈ ખાસ કામગીરી જોવા મળશે નહીં કારણકે, બિહારમાં વિધાનસભા ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષની મજબૂત રણનીતિના પગલે ભાજપ હાલ જેડીયુના નેતૃત્વ હેઠળ બિહાર ચૂંટણી પર ફોકસ કરી શકે છે. ઉલ્લેખનીય છે, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક જેવા મોટા રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી પણ પેન્ડિંગ છે. જેથી આ રાજ્યોના પક્ષના કાર્યકરોએ હજી વધુ રાહ જોવી પડશે.
રેસમાં આ દિગ્ગજના નામ સામેલ
રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે, તેમાં ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી), શિવરાજસિંહ ચૌહાણ (કેબિનેટ મંત્રી), મનોહર લાલ ખટ્ટર (કેબિનેટ મંત્રી), ભુપેન્દ્ર યાદવ (કેબિનેટ મંત્રી) જેવા દિગ્ગજ સામેલ છે. જેમાંથી અમુક નામ સંગઠનાત્મક અનુભવના આધારે મજબૂત દાવેદાર છે. અમુક નામ રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે.
28 પ્રદેશ અધ્યક્ષ બદલાયા
ભાજપે અત્યારસુધી 36માંથી 28 રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ રાજ્ય જેમ કે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, અને ગુજરાતમાં હજી અધ્યક્ષની વરણી બાકી છે.
આ પણ વાંચોઃ ‘એકબીજાને માફ કરીને આગળ વધો…’ પારિવારિક વિવાદ પર સુપ્રીમ કોર્ટની ભાવનાત્મક અપીલ












