બિહારના નવા મુખ્યમંત્રી કોણ? લલન સિંહે કહ્યું- ‘નીતીશ કુમાર જ લેશે આખરી નિર્ણય’

નવી દિલ્હીઃ 6 માર્ચ, 2026: બિહારના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ વચ્ચે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેનો નિર્ણય માત્ર અને માત્ર નીતીશ કુમાર જ લેશે.
CM આવાસ પર જેડીયુની મહત્વની બેઠક
મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ શુક્રવારે સાંજે તેમના નિવાસસ્થાને જેડીયુ (JDU) વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલા લલન સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બિહારમાં જે કંઈ પણ ફેંસલો લેવાશે, તે નીતીશ કુમારની મરજીથી જ લેવાશે. નવા મુખ્યમંત્રીની પસંદગી પણ તેમના નિર્દેશ મુજબ જ થશે.”
રાજ્યસભામાં નવી રાજકીય ઇનિંગ
નીતીશ કુમારે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NDAના અન્ય નેતાઓની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભર્યું હતું. રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, જેના કારણે બિહારને હવે નવા મુખ્યમંત્રી મળશે. અમિત શાહે નીતીશ કુમારના કાર્યકાળને ‘સુવર્ણકાળ’ ગણાવીને તેમને કેન્દ્રીય રાજનીતિમાં આવકાર્યા છે.
ભાજપની કોઈ ‘ષડયંત્ર’ની થિયરી નથી
વિપક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભાજપે ષડયંત્ર રચીને નીતીશ કુમારને રાજ્યસભામાં મોકલ્યા છે. આ અંગે લલન સિંહે કહ્યું કે, “નીતીશ કુમારની ઈચ્છા વિરુદ્ધ અત્યાર સુધી કોઈ તેમની પાસે નિર્ણય કરાવી શક્યું નથી. જે લોકો તેમનો સ્વભાવ જાણે છે, તેઓ જાણે છે કે આ નિર્ણય તેમનો પોતાનો છે.”
કાર્યકર્તાઓનો વિરોધ અને હોબાળો
એક તરફ નીતીશ કુમાર રાજ્યસભા જવાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ જેડીયુના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પટનામાં જેડીયુ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓ નીતીશ કુમારને પોતાનો નિર્ણય બદલવા અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન આક્રોશમાં આવેલા કેટલાક કાર્યકર્તાઓએ જેડીયુ ઓફિસ બહાર લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર શાહી (કાલિખ) પણ પોતી દીધી હતી.
કોણ હશે આગામી CM? ભાજપ કે જેડીયુ?
જ્યારે લલન સિંહને પૂછવામાં આવ્યું કે આગામી મુખ્યમંત્રી ભાજપના હશે કે જેડીયુના, ત્યારે તેમણે ટૂંકો જવાબ આપતા કહ્યું કે, “આ બાબત પણ નીતીશ કુમાર જ નક્કી કરશે.”












