“લાલુ યાદવની જપ્ત મિલકત પર સ્કુલો ખોલવામાં આવશે…”, સમ્રાટ ચૌધરીના નિવેદનથી બિહારમાં બબાલ

સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવની જપ્ત કરાયેલી સંપત્તિ પર શાળાઓ ખોલવામાં આવશે. આ નિવેદનથી બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. JDU એ આ નિવેદનનું સમર્થન કર્યું છે, જ્યારે RJD તેને બદલાની કાર્યવાહી ગણાવી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના મંત્રી સમ્રાટ ચૌધરીએ ફરી એક વાર કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવની મિલકત પર સ્કુલ ખોલવામાં આવશે. જે બાદ બિહારમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, તેઓ કહે છે કે આનો આદેશ કોર્ટે પહેલાથી જ આપ્યો છે. શનિવારે મીડિયા સાથે વાત કરતા સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે નીતિશ કુમારના સુશાસન હેઠળ, નાણાકીય ગુના કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પહેલાથી જ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે ચારા કૌભાંડમાં જે પણ આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર તેમના ઘરો પર સ્કુલો બનાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જે કોઈ ગુનો કરશે તો તેને જેલમાં ધકેલી દેવામાં આવશે.
બિહારમાં JDU અને BJP આમને-સામને
સમ્રાટ ચૌધરીના નિવેદનથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. NDA અને મહાગઠબંધન, ખાસ કરીને RJD વચ્ચે ટક્કર થઈ. JDUએ પણ સમ્રાટ ચૌધરીના નિવેદનને સમર્થન આપ્યું છે. દરમિયાન, લાલુ યાદવના સમર્થકો તેને બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે.
RJD પ્રવક્તા જય તિવારીએ કહ્યું કે પહેલા સરકાર પહેલાથી જ બનેલી સરકારી સ્કુલોને યોગ્ય રીતે ચલાવે અને લાલુ યાદવ કોઈપણ બદલાની રાજકીય કાર્યવાહીથી ડરવાના નથી.
સમ્રાટ ચૌધરી ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ પાસેથી જપ્ત કરાયેલી પટનાની એક ઇમારતમાં શાળા શરૂ કરવાની વાત કરી રહ્યા છે. આ મિલકત પશુપાલન વિભાગ (AHD) કૌભાંડના મામલે સીબીઆઈ અને ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી બંધ પડી છે.
પહેલાં ઇમારતનું નવીનીકરણ કરવામાં આવશે
સમ્રાટ ચૌધરીના જણાવ્યા અનુસાર, શાળા શરૂ કરવા પહેલાં ઇમારતનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે, જેથી તે વિદ્યાર્થીઓ માટે યોગ્ય અને સુરક્ષિત બની શકે. તેમણે કહ્યું કે સરકારનો હેતુ લાંબા સમયથી બિનઉપયોગી પડી રહેલી આ મિલકતને જનહિત માટે ઉપયોગમાં લેવાનો છે. મંત્રીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ઇમારતમાં શાળા ખુલવાથી લાલુ યાદવ તેમજ બિહારના લોકો બંને તેનુ સ્વાગત કરશે.
આ પણ વાંચો: પહેલા બેલ્ટથી માર્યો, પછી પીછો કરીને માર્યો.. જૌનપુરમાં બાબાઓને ઢોર માર માર્યો












