બિહાર વિધાનસભા ચૂંટણી: ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઈ
બિહાર: 14 ઓક્ટોબર, 2025: Bihar Election: ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેના 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કેટલાક મોટા નેતાઓની ટિકિટ કાપવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ અને કુમરહારથી અરુણ સિંહની ટિકિટ કાપવામાં આવી છે.
યાદીની મુખ્ય વાતો:
- ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ટિકિટ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ હાલમાં વિધાન પરિષદના સભ્ય છે અને બિહારમાં ભાજપનો મુખ્ય ચહેરો છે. તારાપુર બેઠક પરથી તેમના પિતા શકુની ચૌધરી અને માતા પાર્વતી દેવી અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
- અન્ય મોટા નામો: શિવાનથી મંગલ પાંડે, બાંકીપુરથી મંત્રી નિતિન નવીન, દીઘાથી સંજીવ ચૌરસિયા, દરભંગાથી સંજય સરાવગી અને જમુઈથી શ્રેયસી સિંહને ટિકિટ આપવામાં આવી છે.
- રામકૃપાલ યાદવને ટિકિટ: દાનાપુર બેઠક પરથી રામકૃપાલ યાદવને ટિકિટ આપવામાં આવી છે. તેઓ લોકસભા ચૂંટણીમાં આરજેડીના ઉમેદવાર મીસા ભારતી સામે હારી ગયા હતા.
- નિતિન નવીન અને વિજય કુમાર સિન્હા: બિહારના પથ નિર્માણ મંત્રી નિતિન નવીન બાંકીપુરથી ચૂંટણી લડશે. જ્યારે ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાને લખીસરાયથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
- પૂર્વ ઉપમુખ્યમંત્રીઓ: પૂર્વ ઉપમુખ્યમંત્રીઓ તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીનું નામ પણ યાદીમાં સામેલ છે. રેણુ દેવીને બેતિયા અને તારકિશોર પ્રસાદને કટિહારથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સૌથી મોટો આંચકો: નંદકિશોર યાદવની ટિકિટ કપાઈ
ભાજપની આ યાદીમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વિધાનસભા અધ્યક્ષ અને બિહાર ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. તેમની ટિકિટ કપાતા એવો સંકેત મળે છે કે ભાજપ બિહારમાં નવી નેતાગીરી તૈયાર કરવા માંગે છે. સૂત્રોના મતે, તેમને વિધાન પરિષદમાં મોકલી શકાય છે.
અન્ય મોટા નેતાઓની બાદબાકી:
પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન અને અશ્વિની ચૌબેને પણ ટિકિટ મળી નથી. અશ્વિની ચૌબેના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ, મંત્રીઓને હકાલપટ્ટીનો ડર!
આ પણ વાંચોઃ વાવ-થરાદમાં અતિવૃષ્ટિના વળતર માટે ખેડૂતોની ‘અધિકાર રેલી’, DDOને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલનની ચીમકી












