ટ્રેન્ડિંગનેશનલ

હવે 5 નહીં… ફક્ત 1 વર્ષની નોકરીમાં પણ મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો

નવી દિલ્હી: 21 નવેમ્બર, 2025: કેન્દ્ર સરકારે શ્રમ કાયદાઓમાં મોટા ફેરફારો અને સુધારાઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે 29 શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 કોડ સુધી સીમિત કર્યા છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવા કોડથી દેશના તમામ શ્રમિકોને (અનૌપચારિક સેક્ટર, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ સહિત) વધુ સારું વેતન, સામાજિક સુરક્ષા અને આરોગ્ય-સુરક્ષાની ગેરંટી મળશે.

શ્રમ કાયદામાં લાગુ કરાયેલા સુધારાઓમાં એક મહત્ત્વનો ફેરફાર ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલો છે. આ અંતર્ગત હવે એક વર્ષની સર્વિસ પર પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળી શકશે.

5 વર્ષની સમય મર્યાદા દૂર

શ્રમ અધિનિયમમાં લાગુ થઈ રહેલા સુધારાઓમાં ગ્રેચ્યુઇટી નિયમ એટલા માટે ખાસ છે, કારણ કે અત્યાર સુધી સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષની નોકરી પૂરી કર્યા પછી જ તેનો લાભ મળતો હતો, પરંતુ સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓને (FTE) પાંચ વર્ષની રાહ જોવી પડશે નહીં અને માત્ર એક વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટીનો લાભ મળી શકશે.

નવા નિયમોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે Fixed-Term Employees ને કાયમી કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના ફાયદા મળશે, જેમાં રજાઓથી લઈને મેડિકલ અને સોશિયલ સિક્યોરિટી સુધીનો સમાવેશ થાય છે. તેમને કાયમી સ્ટાફની બરાબર પગાર આપવાની સાથે સુરક્ષાને પ્રોત્સાહન મળશે. સરકારનો ઉદ્દેશ કોન્ટ્રાક્ટ પર કામ ઘટાડીને ડાયરેક્ટ હાયરિંગને પ્રોત્સાહન આપવાનો છે.

શું હોય છે ગ્રેચ્યુઇટી?

ગ્રેચ્યુઇટી હકીકતમાં, કોઈ પણ કંપની તરફથી પોતાના કર્મચારીઓને તેમના કામના બદલામાં આપવામાં આવતી એક પ્રકારની ભેટ જેવું હોય છે. કર્મચારીઓ માટે આ આર્થિક દૃષ્ટિએ એક મોટો સહારો સાબિત થાય છે, કારણ કે તેમને કંપની છોડતી વખતે અથવા નિવૃત્ત થવા પર ગ્રેચ્યુઇટીની પૂરી રકમ એકસાથે આપવામાં આવે છે. દેશની તમામ ફેક્ટરીઓ, ખાણો, ઓઇલ ફિલ્ડ, બંદરો અને રેલ્વે પર પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ થાય છે.

અત્યાર સુધી એવી અપેક્ષા હતી કે સરકાર ગ્રેચ્યુઇટી માટેની પાત્રતા મર્યાદાને પાંચ વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે, પરંતુ સરકારે કર્મચારીઓને મોટો લાભ આપતાં તેને ઘટાડીને માત્ર 1 વર્ષ કરી દીધું છે.

ગ્રેચ્યુઇટીનું ગણિત 

ગ્રેચ્યુઇટીની ગણતરી કરવાની રીત આ પ્રમાણે છે:

ગ્રેચ્યુઇટી ફંડ = (અંતિમ પગાર) X (15/26) X (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું)

ઉદાહરણ તરીકે: જો તમે 5 વર્ષ કામ કર્યું હોય અને તમારો છેલ્લો પગાર (Basic Pay+DA) 50,000 રૂપિયા હોય:

 (50,000) X (15/26) X (5) = રૂ. 1,44,230

આ પણ વાંચોઃ પ્રેમીનો દબાણ વધ્યો, પત્ની તૂટી પડી: પતિની હત્યા માટે બ્લેકમેઇલ… અંતે ઝેર પી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ

 

Back to top button