સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ ટ્રેન અચાનક બંધ: મુસાફરો મુશ્કેલીમાં

ભુજ, 03 જુલાઇ 2025: Kachchh વધુ ટ્રેન સુવિધા ઇચ્છતા ભુજ અને પશ્ચિમ કચ્છ માટે રેલવે તંત્ર નવી ટ્રેન કે નવી સુવિધા માટે આંબા આંબલી બતાવીને અન્યાય કરતું હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે. મોટા ઉપાડે શરૂ કરાયેલી ભુજ રાજકોટ ભુજ પેસેન્જર ટ્રેન અચાનક બંધ કરી દેવાતાં સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ છે.
કોઇપણ જાહેરાત વિના બંધ કરાઇ
ત્રણ દિવસથી ભુજથી ઊપડતી રાજકોટ પેસેન્જર ટ્રેન કોઇ પણ જાતની જાણ વગર એકાએક બંધ કરી દેવાતાં સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને ભુજ મથક ઉપર ધરમના ધક્કા પડે છે. રાજકોટથી રવિવારે બપોરે 2.35 વાગ્યે ઊપડેલી ભુજ તરફની ટ્રેન રાત્રે 9.40 વાગ્યે ભુજ રેલવે મથકે આવી હતી. ત્યારબાદ એકાએક રેલવે પ્રશાસન દ્વારા કોઇ પણ જાતની જાણ કર્યા વગર એ ટ્રેન બંધ કરી નખાઈ હતી.
આ પણ વાંચો:હવે કેન્દ્ર સરકારના નિર્ણયોમાં ગતિ આવશે: જાણો વડાપ્રધાને ફાઇલોના નિકાલ માટે શું કર્યો આદેશ?
આ ટ્રેન દ્વારકા સુધી લંબાવવી જોઇએ
ઘણા મુસાફરો વહેલી સવારે માલ-સામાન સાથે રાજકોટ અને વચ્ચે આવતા સ્ટેશનો સુધી પહોંચી જાય પછી ખબર પડે કે, ટ્રેન તો બંધ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેન બંધ કરવાનું કારણ ટ્રાફિક ઓછો મળતો હેવાની શક્યતા છે, ત્યારે લોકો એમ પણ કહી રહ્યા છે કે, તો ટ્રેન બંધ કરવા કરતાં એ ગાડીને દ્વારકા સુધી લંબાવવામાં આવે, તો જામનગર સહિતના પ્રવાસીઓને લાભ મળી શકે તેમ છે. દ્વારકા મોટું સૌરાષ્ટ્રનું યાત્રાધામ છે, ત્યારે કચ્છથી અનેક ભક્તો દ્વારકાધીશનાં દર્શને જતા હોય છે, તેઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શકે, તો ટ્રાફિક પ્રશ્ન હલ થઇ શકે તેમ છે.
30મી જુન સુધી જ ચાલુ રાખવાની હતી?
કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી એકમાત્ર ટ્રેન બંધ થતાં રેલવે સ્ટેશનના સત્તાવાળાઓ એમ કહી રહ્યા છે કે, ભુજ-રાજકોટ ટ્રેન તા. 30/6/2025 સુધી જ ચાલુ રાખવાની જાહેરાત કરાઇ હતી.
આ પણ વાંચો:સંપનું પરિણામ: ગુજરાતની 761 સમરસ ગ્રામ પંચાયતોને કેટલા કરોડની ગ્રાન્ટ ફાળવાશે?












