ભાવનગર: ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ભરતીમાં ગેરરીતિ થયાનો ગંભીર આક્ષેપ: કડક તપાસ માટે માંગ કરાઈ

17 એપ્રિલ 2025 ભાવનગર: ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ક્લાર્ક ભરતીમાં પોતાના મળતીયાઓને નોકરી આપવા તથા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયા હોવાના પુરાવા સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને આ અંગેનો વિરોધ નોંધાવી યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી. જોકે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય ન લેવાતા ફરીથી એકવાર ડિસ્ટ્રિક્ટ બેંકના જવાબદાર અધિકારીને મુલાકાત કરી તપાસનો રિપોર્ટ સાર્વજનિક કરવાની માંગ કરવામાં આવી હતી.
તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં વાંધો કેમ છે?
અંદાજિત 20 દિવસ અગાઉ 25 માર્ચ 2025ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની કલાર્કની ભરતીમાં ગેરરીતિ થયા હોવાની વાત આધાર પુરાવા સાથે હતી ત્યારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટારના ઉપસ્થિત પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તપાસ કમિટી નીમી છે, તપાસ ચાલુ કરી છે. તો આજે અમે જાણવા આવ્યા છીએ તપાસ ક્યાં પોહચી અને તપાસ ક્યાં વિષય વસ્તુ ઉપર થઈ રહી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે અને તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે તેવી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ દ્વારા ફરી એકવાર પહોંચીને માંગવામાં આવી હતી.
ભરતી બોર્ડનાં નિયમોનું છડે ચોક ઉલ્લંઘન
યુવરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે ભૂતકાળમાં રજૂઆત કરવા આવેલી હતી. તે સમયે અમો દ્વારા કલાર્કની ભરતીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના માર્ક્સ અને મેરીટ યાદી માંગવામાં આવી હતી. જે ગોપનીયતા નામ હેઠળ આપવામાં આવેલ નથી, પરંતુ અમે ફરી કહીએ છીએ કે આ ભરતી બોર્ડના નિયમોનું ઉલ્લંઘન છે આ યાદી તે જ સમયે પાસ અને ફેલ થયેલા ઉમેદવારોની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવી જોઈએ તો તે શા માટે કરવામાં આવી નથી?
ગેરરીતી કરી નોકરી મેળવી કાર્ય કરનારા હજુ યથાવત છે
તેમણે આરોપ મુકતા જણાવ્યું હતું કે ક્યાં ઠરાવ અંતર્ગત ફક્ત કલાર્કની ભરતીમાં વય મર્યાદા બદલાવ કરવામાં આવેલ? તે ઠરાવની નકલ આપવામાં આવે! ગુજરાતની કોઈપણ ભરતી હોય અને નોટિફિકેશન આવે ત્યારે સિલેબસ જોડે જ આવતો હોય છે તો આ ભરતીમાં સિલેબસ કેમ પ્રસિદ્ધ કરવામાં ન આવેલ? અગાઉની અમારી પ્રેસ કોન્ફરન્સમાં નામ જોગ આરોપ મૂક્યા હતા આજે તે તમામ ઉમેદવાર ગેરરીતિથી ભાવનગરની અલગ અલગ બ્રાન્ચમાં નોકરી કરી રહ્યા હોવાની અમારા અંગત સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે.












