નીતિશ કુમારને ભારત રત્નની માંગ પર ચિરાગ પાસવાનનું ચોંકાવનારું નિવેદન, કહ્યું, ‘આ માંગવાથી નથી મળતુ’

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ભારત રત્ન આપવાની માંગ ફરી એકવાર ઉઠવા લાગી છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા કેસી ત્યાગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગણી કરી છે. બિહારના ઘણા નેતાઓ આ માંગને સમર્થન આપી રહ્યા છે અને નીતિશ કુમારને ભારત રત્ન માટે લાયક ગણાવી રહ્યા છે. જોકે, એનડીએનો ભાગ રહેલી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના સુપ્રીમો ચિરાગ પાસવાને સ્પષ્ટપણે જવાબ આપ્યો છે કે ભારત રત્ન આપવા માટે એક પ્રક્રિયા હોય છે; આ સન્માન વિનંતી કે ઇચ્છાથી આપવામાં આવતું નથી.
હકીકતમાં, લાંબા સમય પછી, ચિરાગ પાસવાન શનિવારે (10 જાન્યુઆરી) દિલ્હીથી પટના પહોંચ્યા. નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગણી પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “ભારત રત્ન જેવુ સર્વોચ્ચ સન્માન ઘણી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આપવામાં આવે છે. કોને તે આપવું જોઈએ કે કોને ન આપવું જોઈએ, તે માંગીને કે કોઈની ઇચ્છાથી નક્કી કરી શકાતું નથી. મને લાગે છે કે તેની પાછળની જે પ્રક્રિયા છે, જે પણ લાયક છે તેને ચોક્કસપણે તે આપવામાં આવશે.”
જોકે, તેમણે નીતિશ કુમારની પ્રશંસા પણ કરી અને કહ્યું કે છેલ્લા બે દાયકામાં, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારે પ્રગતિ કરી છે અને મારું માનવું છે કે તેઓ આ અધિકારને પાત્ર છે.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર આરોપો નક્કી થવાના પ્રશ્ન પર ચિરાગ પાસવાને જણાવ્યું કે આ કાનૂની પ્રક્રિયાનો જ એક ભાગ છે અને તેમણે હંમેશા કાયદાનું સન્માન કર્યું છે. તેમણે કહ્યું કે આ દેશ કાયદાના આધારે ચાલે છે. તથ્યોના આધારે ક્યાંક ને ક્યાંક તેમની સામે દોષ સાબિત થયા હશે, જેના કારણે જ તેમની સામે આરોપો નક્કી કરવામાં આવ્યા છે. સજા થશે કે નહીં તે આવનારો સમય બતાવશે, પરંતુ એટલું ચોક્કસ છે કે તથ્યો સામે આવ્યા પછી જ અદાલતે આરોપો નક્કી કર્યા છે.
આ પણ વાંચો: ડેનમાર્કની સૈન્ય તાકાત કેટલી? શું ગ્રીનલેન્ડ માટે બની શકશે સુરક્ષાકવચ












