કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

દિવાળી વેકેશનમાં ગેરકાયદેસર સિંહ દર્શન કર્યું તો આવી બન્યું સમજો, વન વિભાગે આપ્યો આદેશ

જૂનાગઢ, તા. 18 ઓક્ટોબર, 2025: દિવાળીના વેકેશન દરમિયાન ગીરમાં સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે, ત્યારે સિંહોની સલામતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગે કડક પગલાં લીધાં હતા. વન વિભાગ દ્વારા સિંહોના વસવાટવાળા વિસ્તારોમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું. તા. 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગના સ્ટાફને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે જંગલ વિસ્તાર કરતાં બહારના રેવન્યુ વિસ્તારોમાં સિંહોની હાજરી વધુ હોય છે. દિવાળીના તહેવારોમાં મૂળ ગીરની બોર્ડર પરના ગામડાઓમાં ધંધાર્થે બહાર વસતા લોકો અને તેમના સગા-સંબંધીઓનો ભારે જમાવડો થાય છે. સિંહ જોવાનો ક્રેઝ વધવાને કારણે આ બહારથી આવતા લોકો સિંહોની પજવણી ન કરે અને ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિઓ ન થાય તે માટે આ પગલું લેવાયું હતું.

ગીરમાં સિંહ દર્શન માટે સાસણ જંગલ સફારી, દેવળિયા સફારી પાર્ક અને ધારીના આંબરડી સફારી પાર્ક અધિકૃત છે, પરંતુ કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. રેડ એલર્ટ હેઠળ ગીર પશ્ચિમ, ગીર પૂર્વ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રેન્જ વાઈઝ પેટ્રોલિંગ માટેની અલગ-અલગ ટીમો તૈયાર કરાઈ છે, જે સાંજથી લઈ બીજા દિવસની સવાર સુધી પેટ્રોલિંગ કરશે. ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિમાં સંડોવાયેલા અને સિંહોની પજવણી કરતા શંકાસ્પદ તત્ત્વો પર ખાસ વોચ રાખવામાં આવશે. ગાર્ડ, ફોરેસ્ટર, અને આરએફઓ દ્વારા તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાશે, જેના પર એસીએફ, ડીસીએફ, સીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત વોચ રાખશે.

અગાઉના દિવાળીના સમયગાળામાં ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહોની પજવણીના અનેક કિસ્સા બન્યા હોવાથી વનતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ વખતે વહેલી તકે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

Back to top button