ટ્રેન્ડિંગમનોરંજન

પહેલા વર્ષમાં જ ખાલી થયું બેન્ક બેલેન્સ, તાહિરા કશ્યપે સંભળાવ્યો લગ્નની શરૂઆતનો ભાવુક કિસ્સો

  • તાહિરાએ જણાવ્યું કે લગ્ન પછી જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે નોકરી નહોતી. તેની પાસે જે થોડી બચત હતી તે ધીમે ધીમે ખર્ચાતી ગઈ

HD ન્યુઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને તેમની પત્ની, લેખક-દિગ્દર્શક તાહિરા કશ્યપ Tahira Kashyap આજે એક પરફેક્ટ કપલ ગણાય છે, પરંતુ તેમના સંબંધના શરૂઆતના વર્ષો સંઘર્ષો અને ભાવનાત્મક પડકારોથી ભરેલા હતા. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તાહિરાએ તેના લગ્ન જીવનનો એક ખૂબ જ ભાવનાત્મક કિસ્સો શેર કર્યો હતો. તાહિરાએ જણાવ્યું કે લગ્ન પછી જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે નોકરી નહોતી. તેની પાસે જે થોડી બચત હતી તે ધીમે ધીમે શાકભાજી અને કરિયાણા ખરીદવા જેવી રોજિંદી જરૂરિયાતો પર ખર્ચાઈ ગઈ હતી, પરંતુ તે સમયે આયુષ્માન તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં વ્યસ્ત હતો અને આ તરફ ધ્યાન આપી શકતો ન હતો.

તાહિરા ભાવુક થઈને રડી પડી

તાહિરાએ આગળ કહ્યું, “મેં ક્યારેય કોઈ પાસેથી પૈસા માંગ્યા નહોતા, મારા માતા-પિતા પાસેથી પણ નહીં. પણ એક દિવસ આયુષ્માનને પૂછ્યું કે હું કેરી કેમ નથી લાવી? આ પ્રશ્ને મને ખરેખર પરેશાન કરી દીધી. મને ખૂબ ગુસ્સો આવ્યો કારણ કે તેણે જોયું નહીં કે મેં ખુદ બે દિવસથી કેરી ખાધી નથી, જેથી આયુષ્માન ખાઈ શકે અને છતાં તેણે આ પ્રશ્ન પૂછ્યો.” મને ગુસ્સો આવ્યો અને હું રડી પડી. મેં કહ્યું, ‘તું જાણે છે કે હું કરિયાણાની ખરીદી કેવી રીતે કરું છું? મારું બેંક બેલેન્સ ઝીરો થઈ ગયું છે.’ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે મેં કંઈ પણ કહ્યા વિના એકલા બધું સંભાળવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આયુષ્માને પૂછ્યું કે તો તેં મારી પાસે મદદ કેમ ન માંગી. ત્યાં સુધીમાં આયુષ્માન વીજે બની ગયો હતો અને તેની કારકિર્દી ધીમે ધીમે આગળ વધી રહી હતી. આ ઘટનાએ તેમના સંબંધોમાં એક નવો વળાંક લાવ્યો, જ્યાં સમજણ અને વાતચીતથી સંબંધ વધુ મજબૂત બન્યો.

સ્કૂલથી શરૂ થઈ હતી લવ સ્ટોરી

આયુષ્માન અને તાહિરાની પ્રેમ કહાણી સ્કૂલથી શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, બંનેએ વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. હવે આ દંપતીને બે બાળકો છે, પુત્ર વિરાજવીર અને પુત્રી વરુષ્કા. તાહિરા બે વાર કેન્સર સામે લડી ચૂકી છે.

આ પણ વાંચોઃ ‘જબ વી મેટ’ માં કરીનાની બહેનની ભૂમિકા ભજવી હતી, આ અભિનેત્રીને જાણો છો?

Back to top button