ગુજરાતટોપ ન્યૂઝ

ક્રેનની અંદર છુપાયેલો દારૂનો ખજાનો પકડાયો, હરિયાણા કનેક્શન સામે આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવેલી એક અનોખી અને હાઈટેક રીતનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વાવ-થરાદ LCB અને થરાદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મેઘપુરા ગામ નજીકથી ખોટી નંબર પ્લેટ લગાવેલી ટોઇંગ ક્રેનમાંથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી લેવામાં આવી છે.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે મેઘપુરા નજીક નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક ટોઇંગ ક્રેનને અટકાવી તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સામાન્ય રીતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી આ ક્રેનને દારૂની સ્મગલિંગ માટે ખાસ રીતે મોડિફાય કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તપાસ દરમિયાન ખુલાસો થયો કે ક્રેનની અંદર ગુપ્ત કેબિન બનાવવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂની 1560 બોટલ છુપાવવામાં આવી હતી. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે ક્રેન પર ખોટી નંબર પ્લેટ લગાવીને ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સમગ્ર જથ્થો અમદાવાદ પહોંચાડવાનો પ્લાન હતો.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા દારૂનો જથ્થો, ટોઇંગ ક્રેન અને મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે 16.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ક્રેન ચલાવતા હરિયાણા મૂળના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો સાથીદાર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે.

ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો સક્રિય કરી દેવામાં આવી છે. સાથે જ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને સમગ્ર નેટવર્કને ઉઘાડા પાડવા માટે રિમાન્ડ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 140 કલાકમાં ₹38,50,57,00,00,000ની મેગા ડીલ! PM મોદીની 5 દેશોની મુલાકાતના મોટા પરિણામો

 

 

Back to top button