રણુજાથી દર્શન કરીને પરત ફરતા બનાસકાંઠાના પરિવારને અકસ્માત નડ્યો, કાર નીલગાય સાથે અથડાતા 3ના મોત

road accident news: રાજસ્થાનના પ્રસિદ્ધ રણુજા ધામે રામદેવપીરના દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ચૌધરી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ભારતમાલા હાઈવે પર અચાનક નીલગાય (રોઝડું) રસ્તા પર આવી જતાં કાર અકસ્માતગ્રસ્ત બની હતી. આ દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, પરિવાર કારમાં રણુજાથી બનાસકાંઠા તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન ભારતમાલા રોડ પર અચાનક નીલગાય આવી જતા ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર છ લોકોમાંથી ત્રણના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતકોના નામ
અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (35 વર્ષ)
હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (32 વર્ષ)
યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (18 વર્ષ)
ઘાયલોના નામ
અશોક ચૌધરી (26 વર્ષ)
કમલેશ ચૌધરી (30 વર્ષ)
આયુષ ચૌધરી, (8 વર્ષ)
અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં ભારતમાલા હાઈવે પર વન્યપ્રાણીઓ અચાનક રસ્તા પર આવી જવાના બનાવો વારંવાર બનતા રહે છે. ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે આવા અકસ્માતોનું પ્રમાણ વધુ જોવા મળે છે. સ્થાનિક લોકો હાઈવે પર ફેન્સિંગ, વોર્નિંગ સિસ્ટમ અને સ્પીડ કંટ્રોલ જેવી સલામતી વ્યવસ્થાઓ વધારવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પશ્વિમ એશિયા સંકટ વચ્ચે ભારતને રાહત : 20 હજાર ટન એલપીજી લઈને ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચ્યું ટેન્કર ‘Symi’












