ગુજરાતટોપ ન્યૂઝ

બગદાણા વિવાદ બાદ નવનીત બાલધિયા રાજકીય મેદાનમાં, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

Navneet Baldhiia joins Congress: બગદાણા ખાતે થયેલા ચર્ચાસ્પદ હુમલા કેસ પછી ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ હવે સત્તાવાર રીતે રાજકારણમાં પગલું ભર્યું છે. આજે 3 એપ્રિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા તેમને પક્ષનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થાનિક રાજકારણમાં એક નવી ચેતના અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

બગદાણા વિવાદ દરમિયાન અનેક રાજકીય અટકળો ચાલી રહી હતી કે નવનીત બાલધિયા ભાજપમાં જોડાઈ શકે છે, કારણ કે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જેવા આગેવાનો દ્વારા તેમને ન્યાય અપાવવાની દિશામાં સહાયતા મળી હતી. છતાં, તમામ અટકળોને ખોટી સાબિત કરતાં તેમણે પોતાના સમાજના આગેવાનો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ખાસ કરીને કોળી સમાજના ઘણા આગેવાનો પણ તેમની સાથે કોંગ્રેસમાં જોડાતા આ ઘટના વધુ મહત્વપૂર્ણ બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “ભાજપના ત્રાસથી અનેક લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. મારા કેસમાં પણ યોગ્ય ન્યાય મળ્યો નથી. જે DySP કેસ સંભાળી રહ્યા હતા, તેમને બદલી આપવામાં આવી. આથી સ્પષ્ટ થાય છે કે સામાન્ય માણસને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે.” તેમણે ઉમેર્યું કે હાલ તો ચૂંટણી લડવાનો કોઈ નિર્ણય નથી, પરંતુ જો સમાજ ઈચ્છા વ્યક્ત કરશે તો તેઓ ચોક્કસ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું હતું, જેને બાદમાં પોલીસે ધરપકડ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા સરકારે વિશેષ તપાસ માટે SITની રચના પણ કરી હતી.

આ હુમલા બાદ સમગ્ર રાજ્યમાં કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ન્યાયની માંગ સાથે અનેક જગ્યાએ પ્રદર્શન અને સંમેલનો યોજાયા હતા. ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી અને સમાજની એકતા સ્પષ્ટ રીતે સામે આવી હતી. આ સમગ્ર આંદોલન પછી હવે નવનીત બાલધિયાની કોંગ્રેસમાં એન્ટ્રી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા કરી શકે છે.

આ પણ વાંચો: દરેક રીલમાં ચાના કપ સાથે દેખાતો આ વાયરલ છોકરો કોણ? તેના હાસ્ય પાછળ છુપાયેલી છે દુખદ કહાની

 

 

Back to top button