
Ahmedabad News: અમદાવાદના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા આસારામ આશ્રમ ટ્રસ્ટને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચે 16 એપ્રિલે આશ્રમ ટ્રસ્ટની અપીલને સંપૂર્ણપણે નકારી કાઢી છે. કોર્ટે આશ્રમને ‘આદત મુજબ ગુનો કરનાર’ તરીકે વર્ણવ્યું છે અને વચગાળાની કોઈ રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. આ નિર્ણય પછી આશ્રમનું ડિમોલિશન હવે ગમે ત્યારે થઈ શકે છે.
શું છે આખો મામલો?
દાયકાઓ પહેલાં આશ્રમને ધાર્મિક ઉપયોગ માટે મર્યાદિત જમીન આપવામાં આવી હતી. આપેલી જમીનનો કુલ વિસ્તાર લગભગ 33,980 ચોરસ મીટર હતો, પરંતુ આશ્રમે તેનાથી વધુ લગભગ 50,000 ચોરસ મીટર સુધી વિસ્તાર કર્યો હતો. આમાંથી 45,000 ચોરસ મીટરથી વધુ જમીન પર અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું. કોર્ટ અને અધિકારીઓના તપાસમાં આશ્રમમાં આશરે 32 અનધિકૃત ઇમારતો મળી આવી હતી, જે વિના પરવાનગીએ બનાવવામાં આવી હતી.
આ જમીનની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે. આશ્રમે ફક્ત ધાર્મિક ઉપયોગ માટે જમીન મેળવી હતી, પરંતુ તેનો દુરુપયોગ કરીને અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
કોર્ટની ટિપ્પણી અને નિર્ણય
હાઈકોર્ટની ડબલ જજ બેન્ચે આશ્રમની અપીલ ફગાવતા કહ્યું કે આશ્રમે વારંવાર શરતોનો ભંગ કર્યો છે અને જાહેર જમીન પર દબાણ કર્યું છે. અનધિકૃત બાંધકામને કોઈપણ સ્થિતિમાં નિયમિત (regularize) કરી શકાય નહીં. કોર્ટે આશ્રમની તરફેણમાં કોઈ ‘જ્યુડિશિયલ ઇન્ટરેસ્ટ’ જોવા મળ્યું નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પહેલાં ફેબ્રુઆરી 2026માં સિંગલ જજ બેન્ચે પણ કલેક્ટરની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી અને એવિક્શન પ્રક્રિયાને માન્ય ઠરાવી હતી. હાઈકોર્ટે GPS આધારિત સેટેલાઇટ સર્વે, જૂના રેકોર્ડ્સ, નકશા અને 20થી વધુ સુનાવણીઓના આધારે આ નિર્ણય લીધો છે.
સરકાર તરફની દલીલ
સરકાર તરફથી વકીલ જી.એચ. વિર્કે કોર્ટમાં કહ્યું કે આ કાર્યવાહી સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને કાયદા મુજબ કરવામાં આવી છે. અધિકારીઓએ નોટિસ, તપાસ અને સુનાવણીઓની સંપૂર્ણ પ્રક્રિયા અનુસરી છે. અનધિકૃત બાંધકામ માટે આશ્રમે જે રેગ્યુલરાઇઝેશનની અરજીઓ કરી હતી, તે જ તેમની અનધિકૃતતાનું સ્વીકાર્ય છે.
હાલની સ્થિતિ અને આગળ શું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી પહેલેથી જ એન્ક્રોચમેન્ટ હટાવવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી પણ રદ કરવામાં આવી હતી. હવે આશ્રમને તોડવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે. આ વિસ્તારમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક સંબંધિત વિકાસ કાર્યો માટે જમીન સાફ કરવાની તૈયારી છે. આશ્રમના આ એન્ક્રોચમેન્ટને હટાવવાથી તે વિકાસને વેગ મળશે. આશ્રમ તરફથી હજુ સુધી કોઈ વધુ અપીલ અથવા પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ કોર્ટના આ નિર્ણય પછી તેમના માટે વિકલ્પો ખૂબ જ મર્યાદિત થઈ ગયા છે.
આ પણ વાંચો: CM સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી, ગુજરાતમાંથી ઝડપાયો આરોપી












