ટ્રેન્ડિંગનેશનલ

અરુણાચલમાં 22 મજૂરોને લઈ જતી ટ્રક 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 17 મૃતદેહો મળ્યા

નવી દિલ્હીઃ 11 ડિસેમ્બર, 2025: ભારતીય સેનાએ અરૂણાચલ પ્રદેશના ચગલાગામ વિસ્તારમાં એક મોટા પાયે શોધ અને બચાવ અભિયાનની શરૂઆત કરી છે. બુધવારે હાયુલિયાંગ-ચગલાગામ માર્ગ પર કિલોમીટર 40 પાસે એક વાહન દુર્ઘટનાની જાણકારી મળી હતી. એકમાત્ર જીવિત બચેલા વ્યક્તિએ, જેણે ચિપ્રા જીઆરઈએફ કેમ્પ સુધી પહોંચીને જાણ કરી અને જણાવ્યું કે, 8 ડિસેમ્બરની રાત્રે 22 મજૂરોને લઈને જઈ રહેલી ટ્રક ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

દુર્ઘટના સ્થળ ચગલાગામથી લગભગ 12 કિલોમીટર પહેલા અત્યંત દુર્ગમ વિસ્તારમાં છે, જ્યાં સંપર્ક મર્યાદિત હોવાથી સ્થાનિક એજન્સીઓ દ્વારા ઘટનાની જાણકારી આપી શકાઈ નહોતી.

અત્યાર સુધીમાં 17 મજૂરોના મૃતદેહ મળ્યા

ગુવાહાટીમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એમ.એસ. રાવતે જણાવ્યું કે, ગુરૂવારે સ્પીયર કોરે ઘણી સર્ચ અને રેસ્ક્યુ ટીમ, મેડિકલ દળો, જીઆરઈએફ પ્રતિનિધિઓ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને એડીસી હાયુલિયાંગને ઘટનાસ્થળે રવાના કર્યા હતા. લગભગ ચાર કલાકની શોધખોળ અને દોરડાના સહારે નીચે ઉતર્યા બાદ સવારે 11:55 વાગ્યે ટ્રકને માર્ગથી લગભગ 200 મીટર નીચે ગીચ જંગલ અને પાંદડાઓને કારણે અત્યંત મુશ્કેલીથી જોઈ શકાયો. અત્યાર સુધીમાં 18 મૃતદેહો દેખાયા છે અને તેમને બેલ-રોપ ટેક્નોલોજીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમાંથી 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ મજૂરો આસામના તિનસુકિયા જિલ્લાના એક જ ગામના રહેવાસી હતા અને અરુણાચલમાં એક હોસ્ટેલના નિર્માણ કાર્ય માટે ગયા હતા.

મૃતકોની ઓળખ

ડમ્પર ટ્રક મજૂરોને અરુણાચલ પ્રદેશના એક નિર્માણ સ્થળ પર લઈ જઈ રહ્યો હતો. આ તમામ તિનસુકિયાની ગેલાપુખુરી ટી એસ્ટેટના હતા. મૃતકોમાં બુધેશ્વર દીપ, રાહુલ કુમાર, સમીર દીપ, જૂન કુમાર, પંકજ માંકી, અજય માંકી, વિજય કુમાર, અભય ભૂમિજ, રોહિત માંકી, બિરેન્દ્ર કુમાર, અગર તાંતી, ધીરન ચેટિયા, રજની નાગ, દીપ ગ્વાલા, રામચાબક સોનાર, સોનાટન નાગ, સંજય કુમાર, કરણ કુમાર અને જોનાસ મુંડાનો સમાવેશ થાય છે.

ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ પૉલે જણાવ્યું કે, કઠોર ભૌગોલિક પરિસ્થિતિઓ અને ખરાબ વિઝિબિલિટી હોવા છતાં સેના, સિવિલ તંત્ર અને વિવિધ એજન્સીઓ બાકીના લોકોની શોધ અને ઝડપી સહાય પૂરી પાડવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. શોધ અને બચાવ અભિયાન ચાલુ છે.

 

Back to top button