MacBook બનશે વધુ સ્માર્ટ, AI જાતે જ સંભાળશે તમામ કામ
Macbook: જરા કલ્પના કરો કે તમે તમારા Apple MacBook સામે બેઠા છો અને કીબોર્ડ કે માઉસને સ્પર્શ કર્યા વિના જ તમારાં બધાં કામ થઈ રહ્યાં છે. પછી ભલે ઇન્ટરનેટ પર કોઈ માહિતી સર્ચ કરવાની હોય કે કોડિંગ સંબંધિત કામ કરવાનું હોય, તમારું કમ્પ્યુટર બધું જ જાતે સંભાળી લે. સાંભળવામાં ભલે આ વાત આશ્ચર્યજનક લાગે, પરંતુ ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple હવે આ જ દિશામાં કામ કરી રહી છે.
કંપની એક એવો AI Agent તૈયાર કરવાની યોજના બનાવી રહી છે, જે માણસની જેમ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકશે. ખાસ વાત એ છે કે યુઝરે માત્ર એક જ વાર કામ સમજાવવાનું રહેશે. ત્યારબાદ આ AI અલગ-અલગ એપ્સ અને ટૂલ્સની મદદથી તે કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
Appleની જોબ પોસ્ટિંગથી AI Agentનો ખુલાસો
Appleની આ તૈયારીનો ખુલાસો બ્લૂમબર્ગના એક અહેવાલ દ્વારા થયો છે. અહેવાલ અનુસાર, કંપનીએ તાજેતરમાં સિનિયર એન્જિનિયરિંગ મેનેજરના પદ માટે જોબ પોસ્ટિંગ જાહેર કરી છે. આ પદ પર નિયુક્ત થનારી વ્યક્તિની મુખ્ય જવાબદારી એવો AI Agent તૈયાર કરવાની રહેશે, જે માણસની જેમ ડિવાઇસનો ઉપયોગ કરી શકે. કંપની એવું AI સિસ્ટમ બનાવવા માગે છે, જે વેબ બ્રાઉઝિંગથી લઈને અલગ-અલગ એપ્સ પર કામ કરવાની જવાબદારી સંભાળી શકે. આ AI જરૂરિયાત મુજબ કમાન્ડ ચલાવી શકશે, કોડ લખી શકશે અને તેમાં રહેલી ભૂલો સુધારવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત, અલગ-અલગ ડિજિટલ સર્વિસનો ઉપયોગ કરીને અનેક તબક્કામાં પૂર્ણ થતા કામ પણ કરી શકશે.
પોતે જ નક્કી કરશે કયું ટૂલ વાપરવું
Appleની જોબ પોસ્ટિંગમાં બીજી એક રસપ્રદ બાબત સામે આવી છે. કંપની ઇચ્છે છે કે તેનો AI Agent કામની જરૂરિયાત પ્રમાણે યોગ્ય ટૂલની પસંદગી જાતે જ કરે. ઉદાહરણ તરીકે, જો કોઈ કામ માટે વેબસાઇટ ખોલવાની જરૂર હોય તો AI જાતે જ બ્રાઉઝરનો ઉપયોગ કરશે. જ્યારે કોડિંગ સંબંધિત કામ હશે ત્યારે તે જરૂરી કમાન્ડ અને ટૂલ્સની મદદ લેશે. એટલે કે યુઝરે વારંવાર પ્રોમ્પ્ટ આપવાની કે દરેક સ્ટેપ પર જાતે કંઈ કરવાની જરૂર નહીં પડે. AI Agent અલગ-અલગ એપ્સ, બ્રાઉઝર અને કમાન્ડ લાઇન વચ્ચે તાલમેલ બેસાડીને કામ પૂર્ણ કરી શકશે. Appleનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યુઝરની પ્રાઇવસીને ધ્યાનમાં રાખવામાં આવશે.
થર્ડ પાર્ટી AI Agentને લઈને Apple સાવચેત
એક તરફ Apple પોતાનો AI Agent તૈયાર કરી રહી છે, તો બીજી તરફ કંપની થર્ડ પાર્ટી AI Agentsને ડિવાઇસની સંપૂર્ણ ઍક્સેસ આપવાના મામલે સાવચેતી રાખવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, આગામી macOS 27.3 અપડેટમાં એવા એલર્ટ જોવા મળી શકે છે, જે યુઝર્સને થર્ડ પાર્ટી AI Agentsને ડિવાઇસનું સંપૂર્ણ નિયંત્રણ આપતા પહેલાં ચેતવણી આપશે. Apple અગાઉથી જ ડેવલપર્સને જણાવી ચૂકી છે કે આવી પરવાનગી આપવા માટે યુઝરની મંજૂરી જરૂરી રહેશે.
હાલ પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં
AI Agentના ક્ષેત્રમાં Anthropic અને OpenAI જેવી કંપનીઓ પહેલેથી જ પોતાનાં પ્રોડક્ટ્સ રજૂ કરી ચૂકી છે. Meta પણ આ દિશામાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં Appleનું આ ક્ષેત્રમાં પ્રવેશવું ટેક જગત માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, Appleનો આ પ્રોજેક્ટ હાલમાં શરૂઆતના તબક્કામાં છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપની આગામી વર્ષના અંત સુધીમાં આ સર્વિસ રજૂ કરવા અંગે વિચાર કરી રહી છે. જોકે, તેના લોન્ચિંગને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.












