અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત! ઊભેલી આઇસર પાછળ કાર ઘૂસી, એકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર મટોડા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર ઊભેલી આઇસર ટ્રક પાછળ પૂરઝડપે આવતી કાર ઘૂસી જતાં ભયાનક ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઊભેલી આઇસર ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, સરખેજ-બાવળા હાઈવે પર મટોડા પાટિયા નજીક એક આઇસર ટ્રક હાઈવે પર ઊભી હતી. આ દરમિયાન પૂરઝડપે આવી રહેલી એક કાર સીધી જ આઇસર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. કારમાં સવાર મુસાફરો અકસ્માતનો ભોગ બનતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં.
એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત
આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્મત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે.
ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
અકસ્મતની જાણ થતાં ચાંગોદર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાના સંજોગો જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સરખેજ-બાવળા હાઈવે પર સર્જાયેલી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.












