એપલની મોટા સોદા પર નજર! mistral અને perplexityને ખરીદી કરી શકે છે

નવી દિલ્હી, 27 ઓગસ્ટ, 2025: દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ઝડપથી પોતાની છાપ જમાવી રહ્યુ છે. એવામાં દુનિયાની દિગ્ગજ કંપની એપલ હવે AIની દોડમાં પાછળ પડી જતા તેને ઝડપથી ઝડપી લેવાના પ્રયત્નમાં છે. મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના અનુસાર એપલે ફ્રાંસના AI સ્ટાર્ટ અપ mistral અને AI સર્ચ કંપની perplexityની ખરીદી માટે વાતચીત આગળ ધપાવી છે. કારણ કે ગૂગલ અને સેમસંગ જેવી કંપનીઓની તુલનામાં એપલે પોતાના ડિવાઇસમાં AI ફીચર્સને ધીરે ધીરે રજૂ કર્યા છે. આ જ કારણ છે કે એપલ હવે મોટા પાયે AI કંપનીઓને ખરીદવાની પોતાની વ્યૂહરચના પર વિચારી રહી છે.
CEO ટિમ કૂકે સંકેતો આપ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલનાના CEO ટિમ કૂકે ગયા મહિને સંકેત આપ્યો હતો કે કંપની હવે AI સંબંધિત મોટા સોદા માટે તૈયાર છે, જ્યારે અગાઉ તે એક્વિઝિશન (M&A) બાબતોમાં ખૂબ જ સાવધ રહેતી હતી. Mistral AIને Nvidia દ્વારા સમર્થન આપવામાં આવે છે અને તેનું મૂલ્યાંકન તાજેતરમાં 6 અબજ ડોલરને વટાવી ગયું છે. એક અહેવાલ મુજબ, Mistral હવે 10 અબજ ડોલરના મૂલ્યાંકન પર નવા ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે.
બીજી બાજુ, Perplexityને Amazonના સ્થાપક જેફ બેઝોસ અને Nvidia તરફથી ભંડોળ પ્રાપ્ત થયું છે. જો કે, Perplexityએ કહ્યું છે કે તેને તેની પોતાની ખરીદી પ્રક્રિયાઓ સિવાય કોઈપણ સંપાદનની જાણ નથી.
કંપનીઓ શું કહે છે?
જો આપણે આ મામલે કંપનીઓના વલણ વિશે વાત કરીએ, તો Apple અને Mistralએ હજુ સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે Perplexityએ કોઈપણ સંભવિત મર્જરનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં, દરેકની નજર હવે Appleની આગામી મોટી વ્યૂહરચના પર ટકેલી છે, જે તેને AIની સ્પર્ધામાં ટોચ પર લઈ જઈ શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય ચીજો પર 50 ટકા અમેરિકી ટેરિફથી ગુજરાત સહિત આ 5 શહેરોને પડશે કમરતોડ ફટકો, લોકો પર થશે સૈથી વધુ અસર












