હાથીઓનો ડર એટલો છે કે ઝાડ પર આશરો લઈ રહ્યાં છે ગ્રામજનો…MPના આ ગામમાં દહેશત

મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં છત્તીસગઢની સરહદે આવેલા વિસ્તારોમાં હાથીઓની સતત હાજરીથી ગ્રામજનોમાં ચિંતા વધી છે. છેલ્લા છ દિવસથી, ત્રણ હાથીઓનું એક જૂથ જિલ્લાની સરહદો પર ફરી રહ્યું છે. આ વિસ્તાર પહેલાથી જ હાથીઓની અવરજવર માટેનો કોરિડોર માનવામાં આવે છે, રાતના સમયે, હાથીઓ જંગલમાંથી બહાર આવીને ગામડાઓમાં પહોંચી રહ્યા છે અને ઘરો અને પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.
ગ્રામજનોના મતે, અગાઉ હાથીઓના હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ડરને કારણે હવે લોકોને પોતાના જીવ બચાવવા માટે અનોખી પદ્ધતિઓ અપનાવવાની ફરજ પડી છે. દિવસ દરમિયાન, ગામલોકો પોતાના ઘરોમાં રહે છે, પરંતુ રાત પડતાંની સાથે જ તેઓ ઝાડ પર ખાટલા અને જરૂરી વસ્તુઓ લટકાવીને આશરો લે છે. આ ઉંચા સ્થાનો પરથી, ગ્રામજનો ફક્ત હાથીઓનું ધ્યાન જ નથી રાખતા, પરંતુ પોતાનું રક્ષણ પણ કરે છે.
એવું કહેવામાં આવે છે કે હાથીઓના આ જૂથે 23 ડિસેમ્બરની રાત્રે છત્તીસગઢના મારવાહી પ્રદેશને પાર કરીને અનુપપુર જિલ્લાના ચોલના અને ધાનગવન વન બીટને અડીને આવેલા જંગલોમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હાથીઓ જંગલને અડીને આવેલા અનેક ગામોમાં પ્રવેશ્યા હતા અને ઘરો તેમજ પાકને નુક્શાન કર્યું હતુ.
હાથીઓએ માટીના ઘરોનો તોડી નાંખ્યા
અત્યાર સુધીમાં, હાથીઓએ છ ગ્રામજનોના માટીના ઘરોને નુકસાન પહોંચાડ્યું છે. ઝાંડીટોલાના રહેવાસી બાલ સિંહ, ચોઈના ખેરવાટોલાના રહેવાસી અમૃતિયા, પેલાડોનલના ચૌરસિયા બાઈ, ઘનશ્યામ સિંહ, કુકુરગોડાના ઝુમુકલાલ અને બાલ્કુ કોલના ઘરોને નુકસાન થયું છે. વધુમાં, હાથીઓએ ઘણા ગ્રામજનોના ખેતરો અને કોઠારમાં સંગ્રહિત ડાંગર અને અન્ય પાકનો નાશ કર્યો છે.
સતત ખતરાની વચ્ચે, કુસુમહાઈ ગામના દૌવા ઉર્ફે ધનેશ્વર બૈગા અને ઘનશ્યામ સિંહ જેવા ગ્રામજનોએ તેમના ઘરોની નજીક ઝાડ પર ખાટલા અને જરૂરી વસ્તુઓ લટકાવીને કામચલાઉ આશ્રયસ્થાનો બનાવ્યા છે. મહિલાઓ અને બાળકો રાત્રે ગામના પાકા મકાનોમાં જતા રહે છે.
હાથીઓના કારણે વિસ્તારમાં આતંકનો માહોલ
વન વિભાગે પરિસ્થિતિને પહોંચી વળવા માટે બે અલગ-અલગ પેટ્રોલિંગ ટીમો બનાવી છે. ગ્રામજનોની મદદથી, તેઓ હાથીઓ પર નજર રાખી રહ્યા છે અને તેમને વસ્તીવાળા વિસ્તારોમાંથી જંગલમાં ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમ છતાં, હાથીઓની હાજરી વિસ્તારમાં આતંકનું વાતાવરણ ઉભું કરી રહી છે.












