અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, મોટેલ બહાર જ ગોળી ધરબી દીધી, CCTVમાં ઘટના કેદ

અમદાવાદ, 5 ઓક્ટોબર : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટના અમેરિકાના પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં બની છે. જ્યાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને લઈને સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.
મૃતક મૂળ સુરતના બારડોલીના વતની
મળતી માહિતી મુજબ, મૂળ સુરતના બારડોલી તાલુકાના રાયમ ગામના વતની રાકેશ પટેલ છેલ્લા ઘણાં અમેરિકામાં સ્થાયી થયા હતા અને મોટેલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 ઓક્ટોબરના રોજ રાકેશ પટેલ તેમની મોટેલ બહાર ઊભા હતા, ત્યારે કસ્ટમર તરીકે આવેલા એક શખ્સે તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં રાકેશનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.












