અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં પશુબલી અટકાવાઈ, 140થી વધુ પશુંના જીવ બચ્યા

Bharat Jan Vigyan Jatha: માનતા અને અંધશ્રદ્ધાના નામે થતી પશુબલી સામે ભારત જન વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં ચલાવેલા અભિયાન અંતર્ગત અમરેલી, ગોંડલ અને ચોરવાડ ખાતે થનારી સામૂહિક પશુબલી અટકાવી 140થી વધુ બોકળાના જીવ બચાવ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ તંત્રના સહકારથી મધરાતથી વહેલી સવાર સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન પશુબલી રોકવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, એક જ જ્ઞાતિ સમાજના જાગૃત યુવાનો અને સમાજ સુધારકોએ ભારત જન વિજ્ઞાન જાથાને માહિતી આપી હતી કે દર વર્ષે પરંપરા અને માન્યતાના નામે સામૂહિક પશુબલી આપવામાં આવે છે. આ વર્ષે પણ અમરેલીમાં અંદાજે 50, ગોંડલમાં 60 અને ચોરવાડમાં 30 જેટલા બકરાની બલીની તૈયારી કરવામાં આવી હતી. માહિતી આપનારોએ સ્થળોના સરનામાં, વીડિયો, ફોટા અને ગુગલ મેપ સહિતના પુરાવા જાથાને મોકલ્યા હતા.
માહિતી મુજબ, ભુવા અને સમર્થકો દ્વારા માતાજીને પ્રસન્ન કરવા માટે બકરાની બલી આપવામાં આવતી હતી. પહેલા એક બકરાનો વધ કરીને તેનો પ્રસાદ ભોજનમાં ભેળવવામાં આવતો અને બાદમાં અન્ય બકરાના કાન કાપીને વિધિ કરવામાં આવતી હોવાનું જણાવાયું હતું.
સમાજ સુધારકોએ એ પણ ચેતવણી આપી હતી કે જો વિજ્ઞાન જાથા અથવા પોલીસ સ્થળે પહોંચે તો લાઈટો બંધ કરી હુમલો કરવાની પણ ચર્ચા થઈ હતી. આથી સમગ્ર મામલે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાઓના પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં સ્થાનિક પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.
રાજકોટથી જયંત પંડયાની નેતૃત્વ હેઠળની ટીમ પશુબલી અટકાવવા માટે સ્થળોએ પહોંચી હતી.
અમરેલીમાં મધરાતે કાર્યવાહી
અમરેલીના ચુનારા ડેલામાં માંડવો અને માતાજીનું સ્થાનક બનાવવામાં આવ્યું હતું. ત્યાં પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ પહોંચતા આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. બકરા કાપવાના સાધનો હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, તપાસ દરમિયાન આગેવાનો મગનભાઈ મણીભાઈ બાંભણીયા અને મહેશભાઈ દાનાભાઈ ડોડીયાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંનેએ કબુલાતનામામાં પશુબલીની કબૂલાત આપી ભવિષ્યમાં કાયમી બંધ કરવાની લેખિત ખાતરી આપી હતી.

ગોંડલમાં લાઈટો બંધ કરી હડકંપ
ગોંડલ ખાતે નદી કાંઠે નવા મેલડી માતાજીના મંદિરે મોટો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બે હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. વિજ્ઞાન જાથા અને પોલીસ ટીમ પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. આયોજકોએ માંસાહાર માટેની વ્યવસ્થા હોવાનું કહી દલીલ કરી હતી, પરંતુ જાથાએ સ્થળના અગાઉના વીડિયો અને ફોટા રજૂ કર્યા હતા.
પરિસ્થિતિ વચ્ચે અચાનક સ્થળની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. તેમ છતાં પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ દિલીપભાઈ મનસુખભાઈ ઓળવીયા અને સુરેશ દોલુભાઈ રાઠોડે પોલીસ સ્ટેશનમાં કબુલાતનામા પર સહી કરી પશુબલી બંધ કરવાની જાહેરાત કરી હતી.

ચોરવાડમાં પહેલેથી કાર્યક્રમ બંધ
ચોરવાડમાં પણ જાથા અને પોલીસ પહોંચે તે પહેલાં જ આયોજકોને માહિતી મળી જતા બકરાને અન્યત્ર ખસેડી દેવાયા હતા અને ધાર્મિક કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. સમાજ સુધારકોએ જાથાને જાણ કરી હતી કે કોઈ પશુની બલી આપવામાં આવી નથી અને શ્રદ્ધાળુઓ સ્થળ છોડીને વિખેરાઈ ગયા છે.
પશુબલી કાનૂની ગુનો
વિજ્ઞાન જાથાએ જણાવ્યું હતું કે માનતા અને અંધશ્રદ્ધાના નામે પશુ-પક્ષીની બલી આપવી કાનૂની ગુનો છે. જાથાએ અમરેલી, રાજકોટ અને જુનાગઢ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: મહેસાણામાં 36 વર્ષીય મહિલા પોલીસકર્મી વિણાબેન ગોસ્વામી સાયબર ફ્રોડનો ભોગ બન્યાં












