Amreli Monsoon Update: ગુજરાતભરમાં ચોમાસાની સિઝન જામી છે, ત્યારે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી અવિરત હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે જિલ્લાના રાજુલા પંથકમાં આભ ફાટતા માત્ર ગણતરીના કલાકોમાં જ 4 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જાફરાબાદ અને લાઠી તાલુકામાં પણ 1-1 ઇંચથી વધુ પાણી પડ્યું છે. સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજુલા અને સાવરકુંડલાની સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સાર્વત્રિક મેઘમહેરને પગલે જિલ્લાના ખેડૂતોમાં ભારે આનંદ અને હરખનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજુલાના નીચલા વિસ્તારો પાણીમાં ગરકાવ
રાજુલા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદને કારણે માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરની મુખ્ય હવેલી શેરી અને નીચલા બજારમાં આવેલા અનેક વ્યાપારી પ્રતિષ્ઠાનો તથા દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો નેસડી, મોરંગી, કોટડી, કોવાયા, રામપરા, ડુંગર અને હિંડોરણા સહિતના 12 થી વધુ ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નેસડી ગામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે મોરંગી ગામની સ્થાનિક નદી અને ડુંગર ગામની સૂકવો નદીમાં પૂર આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લાઠીમાં સતત ચોથા દિવસે વરસાદ
લાઠી શહેરમાં આજે સતત ચોથા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી હતી. લાઠીના આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઠવી, વીરડી અને નાલના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. બીજી તરફ સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભાના મોટા બારમણ, રાયડી, ડેડાણ અને પીપળવા ગીરના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલાના પીપરડી અને વિજપડીમાં ભારે વરસાદને પગલે પ્રખ્યાત નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના તેજ પ્રવાહના અદભુત દ્રશ્યો જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ
જાફરાબાદના દરિયાકાંઠાના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આજે વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જાફરાબાદના નાગેશ્રી, બાબરકોટ, મિતિયાળા અને વાઢેરા પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મેઘગર્જના અને પવન ફૂંકાવાને કારણે ઊભી થનારી કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવતી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચલા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લીમખેડા-દાહોદ રોડ પર ગમખ્વાર અકસ્માત: પીકઅપ વાને બાઇકને કચડતા 3 કૌટુંબિક ભાઇઓના મોત











