“પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં”, કોંગ્રેસની સરકારને ચેતવણી

Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે (17 મે 2026) અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર પોલીસ અને પ્રશાસનના દુરુપયોગના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના ઈશારે કેટલાક પક્ષપાતી અધિકારીઓ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી રાજકીય દબાણ ઉભું કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે, ભાજપના રાજકીય હિતો સાધવા માટે નહીં.
અમિત ચાવડાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સુરત, દાહોદ, ડભોઈ, વડોદરા સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા, ફોર્મ પાછાં ખેંચાવવા અને મતદાનને પ્રભાવિત કરવા માટે ખોટા કેસો નોંધાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના હાથા બનેલા અધિકારીઓ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતાં વધુ સંપત્તિ વસાવી રહ્યા છે અને તેમના ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરાવી તેમને જેલ ભેગા કરવામાં આવશે.
વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીના કેસને લઈને મોટો આક્ષેપ
પત્રકાર પરિષદ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના ચૂંટાયેલા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશી સામે નોંધાયેલા કેસ મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં આશિષ જોશીનું નામ રાજકીય દબાણ હેઠળ ઈરાદાપૂર્વક જોડવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ચૂંટણીના માત્ર બે દિવસ પહેલાં એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ સંખેડા પોલીસે એક કારમાંથી અંદાજે 3.96 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ મામલે પ્રમોદ પાંડે નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન પ્રમોદ પાંડેએ આશિષ જોશીનું નામ આપ્યું હતું, જેના આધારે તેમની સામે FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસે આ સમગ્ર કાર્યવાહી પાછળ રાજકીય દુર્ભાવના હોવાનો આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે ચૂંટણી પહેલા પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કોંગ્રેસે દાવો કર્યો કે આ કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે જપ્ત કરાયેલ દારૂ તેણે પોતાના અંગત પ્રસંગ માટે મંગાવ્યો હતો અને તે આશિષ જોશીને ઓળખતો પણ નથી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે તેમ છતાં આશિષ જોશીનું નામ કેસમાં જોડવામાં આવ્યું છે. પાર્ટીના જણાવ્યા મુજબ આશિષ જોશીએ નાર્કો ટેસ્ટ સહિત કોઈપણ પ્રકારની તપાસ માટે લેખિતમાં તૈયારી દર્શાવી હતી, છતાં પોલીસ દ્વારા તેમની કોઈ ગંભીર પૂછપરછ અથવા તપાસ કરવામાં આવી નથી. કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે આશિષ જોશી સામે વધારાની કલમો ઉમેરી તેમને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા, જ્યારે મુખ્ય આરોપી પ્રમોદ પાંડેએ સરળતાથી જામીન મેળવી લીધા હતા.
આશિષ જોશીને અમદાવાદની રામોલ પોલીસે ઝડપી પાડ્યા બાદ સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.
ભાજપના ઈશારે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરો
નહીં તો કાયદેસર કાર્યવાહી અનિવાર્ય.•ભાજપનો હાથો બનેલા પક્ષપાતી અધિકારીઓએ ભ્રષ્ટાચાર દ્વારા પગાર કરતા વધુ વસાવેલી મિલકતો અને ગેરકાયદેસર વ્યવહારોને ખુલ્લા પાડીને જેલ ભેગા કરાશે : શ્રી અમિત ચાવડા
•પોલીસ અને તંત્રથી પીડિત ગુજરાતના… pic.twitter.com/qbsK19YKRs
— Gujarat Congress (@INCGujarat) May 17, 2026
કોંગ્રેસની કાર્યવાહી અને આગામી રણનીતિ
એડવોકેટ હિતેશ ગુપ્તાએ આ સમગ્ર કેસને પાયાવિહોણો અને રાજકીય અદાવતથી પ્રેરિત ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આશિષ જોશી સામે નોંધાયેલી FIR રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસનો દાવો છે કે કેસમાં કોઈ મજબૂત પુરાવા નથી અને રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે પાર્ટી આ મુદ્દે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે ખોટા પુરાવા ઊભા કરનાર અને રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરનાર દરેક વ્યક્તિ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, હોમ સેક્રેટરી અને DGPને સંબોધતા કહ્યું કે પોલીસ અને વહીવટી તંત્રનો ઉપયોગ ભાજપના રાજકીય હિતો માટે કરવાનું બંધ કરો. નહીં તો કોંગ્રેસ કાનૂની અને લોકશાહી બંને સ્તરે સખત લડત લડશે.
પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ રાજકીય દબાણના મુદ્દે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે બનાસકાંઠામાં દારૂના મોટા જથ્થાના પરિવહનનો વીડિયો સામે આવ્યો હોવા છતાં સંબંધિત લોકો સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યો સાથે થયેલા કથિત વર્તનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે દ્વારકામાં મધરાતે હોટલના રૂમોમાં ઘૂસી મહિલા સભ્યો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને બાદમાં તેમને ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો.
કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારનો મુદ્દો પણ ઉઠાવ્યો. પાર્ટીના જણાવ્યા મુજબ, ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને PASA જેવી કડક કાર્યવાહી કરવાની ધમકીઓ આપી ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે આ તમામ બનાવોને લોકશાહી અને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
પીડિતોને સાથે લઈને ગાંધીનગર કૂચની જાહેરાત
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં પોલીસ અને વહીવટી તંત્રથી પીડિત લોકો માટે ન્યાયની માંગ સાથે કોંગ્રેસ ગાંધીનગર કૂચ કરશે. તેમણે કહ્યું કે વિવિધ બનાવોમાં પીડિત બનેલા લોકોને સાથે લઈને રાજ્ય સરકાર સામે લોકશાહી રીતે અવાજ ઉઠાવવામાં આવશે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર, પક્ષપાત અથવા ફરજમાં બેદરકારી દાખવી રહ્યા છે, તેમના મુદ્દાઓને જાહેરમાં લાવવામાં આવશે અને રાજ્યપાલ સમક્ષ વિગતવાર રજૂઆત પણ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે ગુજરાતમાં લોકશાહી અને કાયદાનું શાસન છે, તેથી કોઈપણ અધિકારી રાજકીય દબાણ હેઠળ કાયદાથી ઉપરવટ જઈને કામ કરશે તો તેને અંતે પ્રજાને જવાબ આપવો પડશે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. નેતાઓએ સમગ્ર મામલે કોંગ્રેસનો પક્ષ રજૂ કરતાં રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ઉભો થયેલો આ વિવાદ ગુજરાતના રાજકારણમાં નવા રાજકીય ઘર્ષણને જન્મ આપી શકે છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દે કાયદાકીય તેમજ સંસ્થાકીય સ્તરે સખત લડત આપવામાં આવશે. બીજી તરફ, આ સમગ્ર મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા AAPની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, 2027 મિશન પર ફોકસ












