ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

AMCની ‘દયાહીન’ કાર્યવાહી? પશુ સાથે માલિકને પણ પાંજરામાં લઈ ગયા, રડતી દીકરીને જોઈને પણ અટક્યા નહીં

અમદાવાદ,9 નવેમ્બર:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ આ કાર્યવાહી દરમિયાન શનિવારે (8 નવેમ્બર, 2025) નરોડા-નાના ચિલોડા ચાર રસ્તા પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને ભાવનાત્મક દ્રશ્ય સર્જાયું હતું. AMCની ઢોર પાર્ટી (CNCD) જ્યારે એક પશુપાલકના બળદને પકડવા આવી, ત્યારે પોતાની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાતું જોઈને લાચાર માલિક પોતે પણ પશુ સાથે પાંજરામાં પુરાઈ ગયો હતો.

આ દરમિયાન, તેની માસૂમ દીકરી બહાર ઊભી ઊભી રડતી રહી અને “મારા પપ્પાને છોડી દો, એ બળદ અમારો રોટલો છે,” કહીને કાકલૂદી કરતી રહી, પરંતુ AMCના કર્મચારીઓ ટસના મસ ન થયા અને પશુ સાથે માલિકને પણ પાંજરામાં બેસાડીને લઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં AMCની કાર્યવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, શનિવારે નરોડા-નાના ચિલોડા ચાર રસ્તા પાસેથી AMCની ઢોર પકડતી ટીમ પસાર થઈ રહી હતી. તે સમયે એક પશુપાલક પોતાના બળદ ગાડા સાથે ત્યાં હાજર હતો. આ બળદ ગાડું જ તેના પરિવારની રોજીરોટીનું સાધન હતું.

AMCની ટીમે કથિત રૂપે આ બળદને પકડવાનો પ્રયાસ કર્યો. પોતાના પરિવારનો “આધાર” છીનવાઈ જશે તેવા ડરથી, પશુપાલક માલિકે અધિકારીઓને આમ ન કરવા માટે ઘણી વિનંતીઓ કરી. પરંતુ જ્યારે તેની વાત સાંભળવામાં ન આવી, ત્યારે તે હિંમત હારી ગયો અને અનોખો વિરોધ નોંધાવ્યો.

AMCના કર્મચારીઓએ જેવા બળદને પાંજરાવાળી ગાડીમાં પૂર્યો, તે જ સમયે તેનો માલિક પણ “જો તમે મારા પશુને લઈ જશો, તો મને પણ સાથે લઈ જાઓ” કહીને પાંજરામાં કૂદી પડ્યો અને બળદ સાથે અંદર બેસી ગયો.

Back to top button