અમદાવાદ: AMCએ લીધા 3 મોટા નિર્ણય, વેપારીઓને મળી મોટી રાહત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વેપાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સાંકળતા ત્રણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
રામોલ બ્લાસ્ટ બાદ ફટાકડાની દુકાનોને શરતી મંજૂરી
રામોલ ફેક્ટરી બ્લાસ્ટ બાદ BU પરમિશન અને અન્ય મંજૂરીઓના અભાવે સીલ થયેલા ફટાકડાના એકમોને માત્ર રક્ષાબંધનના સિઝનલ વેપાર માટે દુકાનો ખોલવાની શરતી મંજૂરી અપાઈ છે. જોકે ફટાકડાના વેચાણ માટે ફાયર NOC, પોલીસ મંજૂરી અને BU પરમિશન — ત્રણેય મંજૂરીઓ ફરજિયાત રહેશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, મોટાભાગના વેપારીઓ પાસે ફાયર NOC અને પોલીસ મંજૂરી હતી, પરંતુ BU પરમિશન ન હોવાથી દુકાનો સીલ કરવામાં આવી હતી. વેપારીઓની રજૂઆત બાદ માત્ર રક્ષાબંધનના સિઝનલ ધંધા માટે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનદારો પાસેથી બોન્ડ લેવામાં આવ્યો છે કે જરૂરી મંજૂરી ન મળે ત્યાં સુધી ફટાકડાનો વેપાર નહીં કરે. હાલ દુકાનોમાં માત્ર રાખડી સહિતનો સિઝનલ માલ વેચવાની જ મંજૂરી છે.
અગાઉની ફાયર NOC રદ કરવામાં આવી હોવાથી નવી મંજૂરી લેવી પડશે. રક્ષાબંધન બાદ ફરી ચકાસણી કરવામાં આવશે અને નિયમોના પાલન પર નજર રાખવામાં આવશે. નિયમોનું પાલન કર્યા વગર કોઈપણ વેપારીને ફટાકડાના વેચાણની મંજૂરી આપવામાં આવશે નહીં.
નરોડા-ગેલેક્સી ફ્લાયઓવર: કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ, મુદત લંબાવાઈ
નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા (ઇલેક્ટ્રા ચાર રસ્તા) સુધીના ફ્લાયઓવરની કામગીરીમાં જમીન સંપાદનના પ્રશ્નોને લીધે થયેલા વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને રૂપિયા 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદત જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવી છે.
બ્રિજનું કામ 16 જુલાઈ, 2023ના રોજ શરૂ થયું હતું અને કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયામાં વિલંબ થતાં કામગીરી અસરગ્રસ્ત થઈ હતી. પ્રોજેક્ટની મોટાભાગની જમીન વન વિભાગની હોવાથી મંજૂરીમાં સમય લાગ્યો હતો. મૂળ કરાર મુજબ 36 મહિનામાં એટલે કે 15 જુલાઈ, 2026 સુધી કામ પૂર્ણ થવાનું હતું. હવે તેને વધુ એક વર્ષનું એક્સ્ટેન્શન આપીને જુલાઈ 2027 સુધીનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
11 ઑગસ્ટે તિરંગા યાત્રા, 48 વોર્ડમાં વિસ્તાર
વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ આહવાનને પગલે 11 ઑગસ્ટે રાયપુર બિગ બજારથી સારંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવાનું નક્કી કરાયું છે. યાત્રાનો રૂટ રાયપુર બિગ બજારથી રાયપુર દરવાજા ચકલાથી સારંગપુર રહેશે. શહેર અને પ્રદેશના આગેવાનો યાત્રામાં ઉપસ્થિત રહેશે.
આગામી દિવસોમાં આ યાત્રાને શહેરના તમામ 48 વોર્ડમાં વ્યાપક રીતે આગળ વધારવામાં આવશે અને સમગ્ર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસનું નાઈટ ચેકીંગ: સિંધુ ભવન રોડ પરથી બિયરના ટીન સાથે ત્રણની ધરપકડ












