વલસાડના ઉમરગામ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો આરોપ, આઇકોનિક રોડના સ્પીડ બ્રેકરો ગણતરીના કલાકોમાં તૂટી ગયા

વલસાડ 21 જુલાઈ 2025: વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આઇકોનિક રોડની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. આ રોડ પર વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે રાત્રે લગાવવામાં આવેલા સ્પીડ બ્રેકરો માત્ર ગણતરીના કલાકોમાં જ સવાર સુધીમાં તૂટી ગયા હતા. આ ઘટનાએ નગરપાલિકાના કામોની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આરોપોને વધુ હવા આપી છે.
અકરા મારુતિથી નગરપાલિકા સુધીના આઇકોનિક રોડનું નિર્માણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. જોકે, શરૂઆતથી જ આ રોડની ગુણવત્તા અંગે સ્થાનિક લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં, નગરપાલિકા તંત્ર દ્વારા રોડ પર વાહનોની ઝડપ ઘટાડવા માટે સ્પીડ બ્રેકરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ, રાત્રે લગાવાયેલા આ સ્પીડ બ્રેકરો સવાર સુધીમાં ફૂચે ફૂચા ઉડી ગયા હતા, જેના કારણે બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમરગામ નગરપાલિકા પર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામોના આરોપો લાગી રહ્યા છે. આ ઘટના નગરપાલિકાના વહીવટ અને બાંધકામ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને રેખાંકિત કરે છે. હાલમાં, આ મામલે વધુ તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના આગથલાથી ધાનેરા રોડનું કામ ગોકળગતિએ ચાલતાં ખેડૂતોનો વિરોધ, પોલીસે અટકાયત કરી












