ટ્રેન્ડિંગનેશનલ

​શું ‘રેસ 4’માં અક્ષય ખન્નાની એન્ટ્રી થશે? પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ અફવાઓ પર તોડ્યું મૌન

મુંબઈ: 18 જાન્યુઆરી, 2026: છેલ્લા બે વર્ષથી બોલિવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ‘રેસ’ના ચોથા ભાગને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં ફિલ્મ ‘ધુરંધર’ની સફળતા બાદ એવી અફવાઓ ઉડી હતી કે અક્ષય ખન્ના ફરી એકવાર ‘રેસ 4’ માં જોવા મળશે. જોકે, હવે ફિલ્મના પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ આ અહેવાલો પર મોટો ખુલાસો કરીને ચાહકોની આશા પર પાણી ફેરવી દીધું છે.

અક્ષય ખન્નાની વાપસીની અટકળો કેમ તેજ થઈ?

ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ ભજવેલા ‘રહેમાન ડકૈત’ના પાત્ર અને તેના આઈકોનિક ડાન્સ સ્ટેપ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ લોકપ્રિયતાને જોઈને એવી અટકળો લગાવાઈ રહી હતી કે મેકર્સ તેને ‘રેસ’ ફ્રેન્ચાઈઝીમાં પરત લાવશે, જેમાં તે પ્રથમ ભાગમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો.

પ્રોડ્યુસરે શું કહ્યું?

અક્ષય ખન્નાની એન્ટ્રી અંગે સ્પષ્ટતા કરતા પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ જણાવ્યું કે, “ના, અમે અક્ષયનો સંપર્ક કર્યો નથી. તેની કોઈ શક્યતા જ નથી.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વાર્તામાં ફેરફાર કરીને તેને પાછો લાવી શકાય? તો તેમણે કહ્યું,  ​”તેમને પરત લાવવા અંગે હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી. પ્રથમ ફિલ્મમાં તેમના પાત્રનું એક્સિડન્ટ થાય છે અને તેમનો ટ્રેક ત્યાં જ પૂરો થઈ ગયો હતો. તે અત્યારે પણ એવો જ રહેશે.”

સ્ટાર કાસ્ટને લઈને સ્થિતિ શું છે?

​અત્યાર સુધી એવી પણ ચર્ચાઓ હતી કે સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં કન્ફર્મ થઈ ગયા છે. પરંતુ પ્રોડ્યુસરે આ વાતને પણ નકારી દીધી છે. હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, હજુ સુધી કોઈ પણ એક્ટરને ફાઈનલ કરવામાં આવ્યો નથી.

 

Back to top button