ટ્રેન્ડિંગનેશનલવિશેષ

અજમેર શરીફમાં પીએમઓની ‘ચાદર’ પરંપરા: 800 વર્ષનો ઇતિહાસ, આસ્થા અને હાલનો વિવાદ

નવી દિલ્હીઃ 23 ડિસેમ્બર, 2025: અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર વાર્ષિક ઉર્સના અવસરે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા ચાદર ચઢાવવાની પરંપરા દાયકાઓ જૂની છે. નેહરુથી લઈને મોદી સુધીના તમામ પ્રધાનમંત્રીઓ આ પરંપરાનું પાલન કરતા આવ્યા છે. જોકે, આ વખતે આ પરંપરા કાયદાકીય વિવાદમાં ફસાઈ છે.

હિન્દુ સેનાનો વિરોધ અને સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પીએમઓ દ્વારા ચાદર ચઢાવવા પર રોક લગાવવાની માંગ કરી છે. હિન્દુ સેનાનો દાવો છે કે, અજમેર દરગાહનું નિર્માણ પ્રાચીન શિવ મંદિર (સંકટ મોચન મહાદેવ મંદિર) પર કરવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ મામલો કોર્ટમાં પડતર છે, ત્યારે પ્રધાનમંત્રી તરફથી ચાદર ભેટ કરવી એ ખોટો સંદેશ આપશે અને તે બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

પીએમઓ ક્યારથી ચાદર ચઢાવે છે?

અજમેર શરીફમાં ચાદર મોકલવાની પરંપરા આઝાદી પછી શરૂ થઈ હતી. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ પ્રથમ વખત ચાદર મોકલી હતી. ત્યારબાદ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સહિત તમામ પીએમએ આ પરંપરા જાળવી રાખી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 થી સતત દર વર્ષે ચાદર મોકલે છે. વર્ષ 2025 ના 814મા ઉર્સ માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પીએમ વતી ચાદર રજૂ કરી હતી.

આંતરરાષ્ટ્રીય અને રાજકીય માન્યતા

માત્ર ભારત સરકાર જ નહીં, પરંતુ અન્ય દેશો અને રાજ્યો પણ અહીં શ્રદ્ધા ધરાવે છે. બંને દેશોની સરકારો હાઈકમિશન દ્વારા નિયમિતપણે ઉર્સ દરમિયાન ચાદર મોકલે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપરાંત તેલંગાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓ પણ ચાદર મોકલતા આવ્યા છે. આ દરગાહને ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે.

દરગાહનો 800 વર્ષ જૂનો ઇતિહાસ

અજમેર શરીફ દરગાહ સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (ગરીબ નવાઝ)ની મજાર છે. ખ્વાજા સાહેબ 1192માં અજમેર આવ્યા હતા. 1236માં તેમનું અવસાન થયું. સૌપ્રથમ દિલ્હી સલ્તનતના સુલતાન ઇલ્તુતમિશે મકબરો બનાવડાવ્યો, જેનો બાદમાં મુઘલ કાળમાં વિસ્તાર થયો. ચાદર ચઢાવવી એ શ્રદ્ધા અને સન્માનનું પ્રતિક છે. મિનાત પૂરી થવા પર ભક્તો અહીં નજરાણું પેશ કરે છે.

વાર્ષિક ઉર્સની ઉજવણી કેવી રીતે થાય છે?

સૂફી પરંપરામાં ‘ઉર્સ’ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન (પુણ્યતિથિ). બુલંદ દરવાજા પર ધ્વજ ફરકાવી ઉર્સની શરૂઆત થાય છે. આ ખાસ દરવાજો માત્ર ઉર્સ દરમિયાન ખુલે છે, જેમાંથી પસાર થવું પુણ્યશાળી મનાય છે. આખી રાત સૂફી કવ્વાલીઓ ચાલે છે અને વિશાળ ‘દેગ’ (પાત્ર)માં રાંધેલું ભોજન લાખો લોકોને વહેંચવામાં આવે છે. દર વર્ષે અંદાજે 20 થી 50 લાખ શ્રદ્ધાળુઓ ભારત અને વિદેશથી અહીં આવે છે.

 

Back to top button