Explainer : હવામાં તરતા માઇક્રોપ્લાસ્ટિક બની રહ્યા છે ‘હીટ ટ્રેપ’, રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Microplastics Global Warming: અત્યાર સુધી આપણે એવું જ જાણતા હતા કે પ્લાસ્ટિક પ્રદૂષણ માત્ર દરિયાઈ જીવો, નદીઓ અને જમીનને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક એવી ચેતવણી આપી છે જેણે આખી દુનિયાની ચિંતા વધારી દીધી છે. હવામાં તરતા પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો, જેને ‘માઇક્રોપ્લાસ્ટિક્સ’ (Microplastics) કહેવામાં આવે છે, તે હવે આપણા વાયુમંડળને ગરમ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
પ્રતિષ્ઠિત જર્નલ ‘નેચર ક્લાયમેટ ચેન્જ’ માં પબ્લિશ થયેલા એક રિસર્ચ મુજબ, હવામાં હાજર આ ઝીણા કણો સૂર્યપ્રકાશને સોષી રહ્યા છે, જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આમાં પણ ખાસ કરીને કલરફુલ માઇક્રોપ્લાસ્ટિક્સ ક્લાયમેટ ચેન્જ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યા છે.
શું છે આ માઇક્રોપ્લાસ્ટિક્સ અને તે કેવી રીતે વધારે છે ગરમી?
માઇક્રોપ્લાસ્ટિક્સ એટલે પ્લાસ્ટિકના એવા ટુકડા જે કદમાં 5 મિલીમીટર કરતાં પણ નાના હોય છે. મોટા પ્લાસ્ટિક કચરાના તૂટવાથી, આપણા કપડાં, કોસ્મેટિક્સ અને ગાડીઓના ટાયર ઘસાવાથી આ કણો પેદા થાય છે અને હવામાં ભળી જાય છે.
ડ્યુક યુનિવર્સિટીના પ્રોફેસર ડ્રુ શિન્ડેલના જણાવ્યા મુજબ, વાયુમંડળમાં આ કણો બે રીતે કામ કરે છે. કાં તો તે સૂર્યપ્રકાશને પાછો સ્પેસમાં રિફ્લેક્ટ કરીને ઠંડક પેદા કરે છે, અથવા ગરમીને સોષીને તાપમાન વધારે છે. રિસર્ચમાં એ સાબિત થયું છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ ઠંડક આપવાના બદલે ગરમી સોષવાનું કામ વધારે કરે છે, એટલે કે તે ગ્લોબલ વોર્મિંગ વધારવાનું મોટું કારણ (Warming Agent) બની ચૂક્યા છે.
રંગીન અને કાળું પ્લાસ્ટિક: ગરમી સોષવામાં 75 ગણું વધુ પાવરફુલ
ચીનની ફુદાન યુનિવર્સિટીના રિસર્ચર્સે આ સ્ટડીમાં જોયું કે પ્લાસ્ટિકનો કલર ગરમી વધારવામાં સૌથી મોટો રોલ પ્લે કરે છે. કાળા, પીળા, વાદળી અને લાલ રંગના માઇક્રોપ્લાસ્ટિક્સ, સફેદ કે ટ્રાન્સપરન્ટ કણોની સરખામણીએ સૂર્યપ્રકાશને ખૂબ જ ઝડપથી પકડી રાખે છે.
સ્ટડીમાં ખુલાસો થયો છે કે રંગીન અને કાળા પ્લાસ્ટિકના કણો સાદા પ્લાસ્ટિક કરતાં 74.8 ગણી એટલે કે આશરે 75 ગણી વધુ ગરમી સોષે છે. જેમ જેમ આ કણો હવામાં જૂના થાય છે અને અન્ય કેમિકલ્સના સંપર્કમાં આવે છે, તેમ તેમ તેની ગરમી સોષવાની કેપેસિટી વધુ ડેન્જરસ બની જાય છે.
કોલસાના પાવર પ્લાન્ટ જેટલું જ નુકસાનકારક
વૈજ્ઞાનિકોએ માઇક્રોપ્લાસ્ટિક્સની અસરની સરખામણી ‘બ્લેક કાર્બન’ એટલે કે ફેક્ટરીઓ અને વાહનોના ધુમાડામાંથી નીકળતી મેંશ (Soot) સાથે કરી છે. હવામાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક્સ, બ્લેક કાર્બન જેટલી ગરમી વધારે છે તેનો આશરે છઠ્ઠો ભાગ (16.2%) પોતે જ પેદા કરી રહ્યા છે.
પ્રોફેસર શિન્ડેલના મતે, એક વર્ષમાં હવામાં ભળતા માઇક્રોપ્લાસ્ટિક્સની ગ્લોબલ અસર આશરે 200 કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ જેટલી જ હોય છે. આ આંકડો ભલે ગાડીઓ કે મોટી ઇન્ડસ્ટ્રીઝ કરતાં ઓછો લાગે, પરંતુ તેને નજરઅંદાજ કરવો ભારે પડી શકે છે. સૌથી મોટી ચિંતા એ છે કે પ્લાસ્ટિક દાયકાઓ સુધી નાશ પામતું નથી, જેથી લોંગ ટર્મમાં આના પરિણામો ભયાનક હોઈ શકે છે.
ભવિષ્યનો મોટો પડકાર
હાલમાં દુનિયાભરમાં ક્લાયમેટ ચેન્જ માપવા માટે જે મોડલ વપરાય છે, તેમાં માઇક્રોપ્લાસ્ટિક્સથી વધતી આ ગરમીનો હજુ સુધી સમાવેશ જ કરાયો નથી. વિયેના યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રિયાસ સ્ટોહલના જણાવ્યા મુજબ, હવામાં માઇક્રોપ્લાસ્ટિક્સ માપવાની ટેક્નોલોજી હજુ શરૂઆતના સ્ટેજમાં છે, તેથી તેની ચોક્કસ અસરો જાણવા વધુ સંશોધનની જરૂર છે. પરંતુ એટલું નક્કી છે કે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને બચાવવા માટે હવે પ્લાસ્ટિકના પ્રોડક્શન પર બ્રેક મારવી જ પડશે. પ્લાસ્ટિક હવે માત્ર જમીન કે પાણીની સમસ્યા નથી, પણ આપણા આકાશ અને ક્લાયમેટ માટે પણ મોટો વિલન બની ગયું છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ કોકરોચ જનતા પાર્ટી, 3 દિવસમાં 1 લાખ યુવાનો જોડાયા
આ પણ વાંચોઃ જે શેરને Parle-G માનીને તૂટી પડ્યા રોકાણકારો, લાગ્યું અપર સર્કિટ, આખરે શું કરે છે આ કંપની?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












