ટ્રેન્ડિંગબિઝનેસ

જે શેરને Parle-G માનીને તૂટી પડ્યા રોકાણકારો, લાગ્યું અપર સર્કિટ, આખરે શું કરે છે આ કંપની?

PM Modi Melodi: સોશિયલ મીડિયા પર ક્યારેક કઈ વાત ક્યાં પહોંચી જાય અને તેની કેવી વિચિત્ર અસરો થાય, તેનો એક અદ્ભુત અને ચોંકાવનારો કિસ્સો બુધવારે ભારતીય શેરબજાર (Share Market) માં જોવા મળ્યો. રોમ પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં ભારતીય બ્રાન્ડની પ્રખ્યાત ‘મેલોડી’ (Parle Melody) ચોકલેટ આપી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #Melody ટ્રેન્ડ થવા લાગ્યું અને બ્લિંકિટ તેમજ ઝેપ્ટો જેવા પ્લેટફોર્મ પર મેલોડી ચોકલેટના ઓર્ડરનું પૂર આવી ગયું. પરંતુ, આ ટ્રેન્ડની સૌથી મોટી અને રમુજી અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર જોવા મળી, જ્યાં ‘પાર્લે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ ના શેરમાં જોતજોતામાં ૫% ની અપર સર્કિટ લાગી ગઈ.

હકીકત એ છે કે, જે કંપનીના શેર ખરીદવા માટે રોકાણકારો પડાપડી કરી રહ્યા હતા, તે કંપનીનો મેલોડી ચોકલેટ કે પ્રખ્યાત ‘પાર્લે-જી’ (Parle-G) બિસ્કિટ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ જ નથી! રોકાણકારો માત્ર ‘પાર્લે’ નામ જોઈને ભ્રમમાં મુકાયા અને કરોડો રૂપિયા ઝોંકી દીધા.

મેલોડી બનાવનારી અસલી કંપની શેરબજારમાં લિસ્ટેડ જ નથી!

શેરબજારના નિયમો અને લિસ્ટિંગની આ અસલી હકીકત દરેક રોકાણકારે જાણવી જરૂરી છે:

પાર્લે પ્રોડક્ટ્સ (Parle Products): દેશમાં લોકપ્રિય પાર્લે-જી, મોનાકો, હાઇડ એન્ડ સીક, ક્રેકજેક બિસ્કિટ અને મેલોડી કે મેંગો બાઇટ જેવી ટોફી બનાવતી અસલી કંપનીનું નામ ‘પાર્લે પ્રોડક્ટ્સ’ છે. આ એક સંપૂર્ણ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને તે શેરબજારમાં લિસ્ટેડ નથી. તેથી સામાન્ય લોકો તેના શેર ખરીદી શકતા નથી.

નામનો ભ્રમ: રોકાણકારોએ બજારમાં લિસ્ટેડ ‘પાર્લે ઇન્ડસ્ટ્રીઝ’ ને અસલી પાર્લે સમજી લીધી અને રોકાણ કરવાનું શરૂ કરી દીધું.

તો પછી ‘પાર્લે ઇન્ડસ્ટ્રીઝ’ કયો બિઝનેસ કરે છે?

જે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી તે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરે છે. આ સિવાય તે કાગળ, વેસ્ટ પેપર અને રિસાયક્લિંગ પ્રોડક્ટ્સના લે-વેચના બિઝનેસ સાથે જોડાયેલી છે.

વર્ષ 1999-2000 સુધી આ કંપની ‘પાર્લે-બિસ્લેરી લિમિટેડ’ ની સબસિડિયરી (ગૌણ) કંપની હતી, પરંતુ હવે બિસ્લેરી કે અસલી પાર્લે ગ્રુપ સાથે તેનો કોઈ માલિકી હક કે વ્યાપારિક સંબંધ નથી. માર્ચ ૨૦૨૬ ના સત્તાવાર આંકડા મુજબ, ‘બ્રિલિયન્ટ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ’ ૮.૫૩% હિસ્સા સાથે આ કંપનીની સૌથી મોટી શેરહોલ્ડર છે.

શેરનું પ્રદર્શન: રોકાણકારો માટે લાલબત્તી

સોશિયલ મીડિયાના ભ્રમને કારણે બુધવારે ભલે આ શેરમાં ૫% ની તેજી આવી હોય, પરંતુ લાંબા ગાળાના આંકડા રોકાણકારો માટે ચિંતાજનક છે. શેરબજારમાં ચાલી રહેલા ચોતરફા ઘટાડા વચ્ચે આ વર્ષે (YTD) પાર્લે ઇન્ડસ્ટ્રીઝનો શેર 40% કરતાં પણ વધુ તૂટી ચૂક્યો છે. આ ઘટનાએ બજારના નિષ્ણાતોને એ કહેવા માટે મજબૂર કર્યા છે કે ક્યારેય પણ કોઈપણ કંપનીના નામ પાછળ આંધળી દોડ મૂકવાના બદલે તેના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ પ્રોફાઇલની ચકાસણી ચોક્કસ કરવી જોઈએ.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચોઃ બંગાળમાં હાર બાદ TMC ને મોટો ફટકો: પ્રથમ વિરોધ પ્રદર્શનમાં જ 80 માંથી માત્ર 35 ધારાસભ્યો પહોંચ્યા

આ પણ વાંચોઃ નકલી સોસની ફેક્ટરી ઝડપાઈ, અંદર ટામેટાનું નામોનિશન નહોતું, મીઠું અને ગાજર નાખી બનાવતા

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button