ટ્રેન્ડિંગનેશનલ

એર ઇન્ડિયાના ચેક-ઇન સિસ્ટમમાં ગડબડ, દિલ્હી સહિત અને એરપોર્ટ પર મુસાફરોને હાલાકી

નવી દિલ્હી: 5 નવેમ્બર, 2025: બુધવારે દિલ્હી સહિત દેશના કેટલાક અન્ય એરપોર્ટ્સ પર એર ઇન્ડિયાના મુસાફરોને ચેક-ઇન કરાવતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થર્ડ-પાર્ટી કનેક્ટિવિટી નેટવર્કની સમસ્યાને કારણે એર ઇન્ડિયાનું ચેક-ઇન સિસ્ટમ અટકી ગયું હતું, જેના કારણે મુસાફરો લાંબા સમય સુધી ચેક-ઇન કરી શક્યા ન હતા. જોકે, બાદમાં સિસ્ટમને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી અને હાલમાં સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે.

70 મિનિટ સુધી સિસ્ટમ બંધ

સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી એરપોર્ટ પર, ટર્મિનલ T2 અને T3 પર ચેક-ઇન સિસ્ટમ બપોરે 3.40 વાગ્યાથી સાંજે  4.50 વાગ્યા સુધી, એટલે કે લગભગ 70 મિનિટ સુધી બંધ રહ્યું હતું.

એર ઇન્ડિયાએ આપી માહિતી

એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે સિસ્ટમ હવે પુનઃસ્થાપિત થઈ ગઈ છે, પરંતુ સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે અને કેટલીક ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી શકે છે.

એરલાઇને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં એરલાઇનની વેબસાઇટ પર પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચકાસી લે અને મુસાફરી માટે વધારાનો સમય લઈને જાય.

મુસાફરો બે દિવસ બાદ મંગોલિયાથી દિલ્હી પરત ફર્યા

અન્ય એક સમાચાર મુજબ, મંગોલિયાની રાજધાની ઉલાનબટેરમાં ફસાયેલા એર ઇન્ડિયાના 245 મુસાફરો આખરે બે દિવસ પછી દિલ્હી પરત ફર્યા છે. સોમવારે સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 174 માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે વિમાનને મંગોલિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ત્યારથી 228 મુસાફરો અને ક્રૂના 17 સભ્યો ત્યાં ફસાયેલા હતા. બુધવારે સવારે લગભગ 8:24 વાગ્યે એર ઇન્ડિયાનું રાહત વિમાન આ તમામ મુસાફરોને લઈને રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યું હતું.

એર ઇન્ડિયાએ મુસાફરોની સુરક્ષા અને આતિથ્ય સુનિશ્ચિત કરવા બદલ ઉલાનબટેરના સ્થાનિક અધિકારીઓ, મંગોલિયામાં ભારતીય દૂતાવાસ, ડીજીસીએ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ બાળકીને બિયર પીવડાવ્યું, મિત્રો દ્વારા શારીરિક હિંસા કરાવતી હતી માતા… મમતાને કલંક લગાવતો કિસ્સો

આ પણ વાંચોઃ ઝોહરાન મમદાનીએ જીત બાદ ટ્રમ્પને પડકાર્યો, જવાહરલાલ નેહરુના ઉલ્લેખ સાથે આપ્યું જ્વલંત ભાષણ

 

Back to top button