પાવાગઢમાં કારમાંથી અમદાવાદના યુવક-યુવતીની લાશ મળી, યુવતી પરિણીત અને યુવક કુંવારો હતો

પંચમહાલ, તા. 29 જૂન, 2025: યાત્રાધામ પાવાગઢમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે. પાવાગઢના બસ સ્ટેન્ડની સામે આવેલા ટેક્સી પાર્કિંગ પાર્ક કરેલી અમદાવાદ પાસિંગની કારની પાછળની સીટ પરથી એક યુવક અને યુવતીની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડથી માંચી જવાના રોડ પર આવેલ ટેક્સી પાર્કિંગમાં બે દિવસથી અમદાવાદ પાસિંગની એક ઈનોવા કાર પાર્ક કરેલી હતી. જેનું એન્જિન ચાલુ હોવાથી સ્થાનિકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
કાર લોક હતી અને એસી ચાલુ હતું
આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે જોતા કાર લોક હતી અને અંદર એસી ચાલુ હતું., જ્યારે વિન્ડો કાચ પર કાળી ફિલ્મ લગાવેલી હતી. જેથી પોલીસની ટીમે ધ્યાનથી જોતા પાછળની સીટ પર એક યુવક અને યુવતી સૂતા હતા. આથી પોલીસે તાત્કાલિક કારનું લૉક ખોલાવીને યુવક-યુવતીને બહાર કાઢતા બન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસે પંચનામું કરી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના તાલુકાના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મૃતકો પૈકી યુવતી પરિણીત અને યુવક કુંવારો હતો. પ્રથમ દ્રષ્ટિએ બન્નેએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે જે કારમાંથી બન્નેની લાશ મળી, તેની ચાવી પણ કારની અંદરથી જ મળી આવી છે. જો કારની ચાવી અંદર જ હતી, તો પછી તે લોક કેવી રીતે થઈ? આથી બન્નેની હત્યા થઈ હોવાની આશંકા પણ નકારી શકાય નહીં. પાવાગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં 100 કરોડની જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું












