અમદાવાદનું આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો સ્કેમ: ડ્રગ્સ, હમાસ ટેરર ફંડિંગ અને ₹226 કરોડના કાળા કારોબારનો પર્દાફાશ
Ahmedabad Terror Funding Network Bust: અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી નેટવર્ક સામે તપાસ એજન્સીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દેશની સુરક્ષા અને અર્થતંત્રને જોખમમાં મૂકતા આ કૌભાંડમાં આરોપીઓના ક્રિપ્ટો વોલેટ મારફતે આશરે ₹226.54 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. આ નેટવર્કના તાર ડાર્ક વેબ, ગેરકાયદેસર ડ્રગ્સ કારોબાર, વૈશ્વિક આતંકી સંગઠનોને ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાના ગંભીર આક્ષેપો છે.
ઓનલાઈન નાર્કોટિક્સનું ગુજરાત કનેક્શન અને હમાસ સુધી તાર
તપાસ દરમિયાન એજન્સીઓને જાણવા મળ્યું છે કે, ગેરકાયદેસર ઓનલાઇન ડ્રગ્સ વેચતી કુખ્યાત વેબસાઇટ ‘ARTEMISLAB.CC’ ના નાણાકીય ટ્રાન્ઝેક્શન સીધા ગુજરાતના ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચ્યા હતા. અમદાવાદના મોહસીન સદીક મોલાણીના વોલેટમાં આ શંકાસ્પદ ફંડ ટ્રાન્સફર થયું હતું, જે બાદમાં ભારતના અન્ય ૯ યુઝર્સના વોલેટ સુધી ફેલાયું હતું. આ કેસમાં સૌથી ખતરનાક ખુલાસો મોહમ્મદઝુબેર મોહમ્મદહુસેન પોપટિયાના ક્રિપ્ટો વોલેટને લઈને થયો છે. તેનું વોલેટ ઇઝરાયલની ટેરર ફંડિંગ એજન્સી દ્વારા વર્ષ ૨૦૨૫માં ફ્રીઝ કરાયેલા વોલેટ્સ સાથે લિંક હતું. આ વ્યવહારો પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ સાથે સંકળાયેલા નેટવર્ક અને દુબઈ આધારિત ક્રિપ્ટો એક્સચેન્જ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બ્રિટન સુધી ડ્રગ્સ સપ્લાય અને જેલમાંથી નેટવર્કનું સંચાલન
પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી મોહસીન મોલાણીએ કબૂલાત કરી છે કે તે વર્ષ ૨૦૨૩થી બ્રિટન (UK) માટે એક મોટું ડ્રગ્સ સપ્લાય નેટવર્ક ચલાવતો હતો. ટેલિગ્રામ અને અન્ય ગુપ્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા બ્રિટનમાંથી ડ્રગ્સના ઓર્ડર મેળવીને તેની વિગતો દુબઈમાં બેઠેલા મોહમ્મદ ઝુબેર પોપટિયાને મોકલવામાં આવતી હતી. આ સિન્ડિકેટમાં સલમાન ગુલામઅલી અન્સારી નામનો અન્ય એક આરોપી પણ સામેલ છે, જે હાલ બ્રિટનની જેલમાં ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં સજા કાપી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, જેલમાં હોવા છતાં તે આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના સંચાલનમાં સક્રિય હોવાના પુરાવા એજન્સીઓને મળ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રાન્ઝેક્શન છુપાવવા મોનેરોનો ઉપયોગ અને 935 સાયબર ફરિયાદો
આરોપીઓએ કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા અને વહીવટો ગુપ્ત રાખવા માટે ‘Monero’ જેવી અનામી પ્રાઈવસી ક્રિપ્ટો કરન્સીનો વ્યાપક ઉપયોગ કર્યો હતો અને તેના દ્વારા ₹2 કરોડથી વધુની હેરાફેરી કરી હતી. મુખ્ય આરોપીઓ પૈકી મોહમ્મદઝૈદ સિદ્ધીના વોલેટમાં 4.87 મિલિયન યુએસ ડોલર અને નાવેદ પઠાણના ખાતામાં 23.96 મિલિયન યુએસ ડોલર (આશરે ₹226.54 કરોડ) ના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ ઉપરાંત, આરોપીઓના બિનાન્સ P2P બેન્ક એકાઉન્ટ્સ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર છેતરપિંડી અને સાયબર ગુનાની કુલ 935 ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે.
કડક કલમો હેઠળ ગુનો દાખલ, ધરપકડનો દોર શરૂ
આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓએ સંગઠિત ગુનાખોરી, ગુનાહિત કાવતરું, આતંકવાદી પ્રવૃત્તિઓને આર્થિક મદદ અને સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધ્યો છે. આંતરરાષ્ટ્રીય રેકેટના પર્દાફાશમાં અત્યાર સુધી અમદાવાદ, મુંબઈ અને હરિયાણાથી મોહસીન મોલાણી, મોહમ્મદઝૈદ સિદ્ધી, નાવેદ પઠાણ, ફૈઝઅહમદ ચિસ્તી અને ઝીશાન મોતીવાલા સહિતના સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ હજુ પણ ઊંડી ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી બાબુઓના પ્રવાસ, ગાડીઓ અને ખર્ચ પર મુકાશે કડક કાપ











