અમદાવાદ: બોપલ ફાયરિંગ કેસમાં કલ્પેશ ટુંડિયાના આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો

- આપઘાત કરવાના મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી
- મૃતકને મળવા આવેલા બંને વ્યક્તિઓની પોલીસે ઓળખાણ કરી છે
- આપઘાત પહેલા મૃતકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા
અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રો હાઉસમાં રહેતા શેર બ્રોકરની પોઇન્ટ બ્લેકથી આપઘાત કરવાના મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આપઘાત પહેલા મૃતકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા અને તેમના ગયા બાદ કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યો હતો. જો કે સ્થળ પરથી હથિયાર ન મળી આવતા બંને હથિયાર લઈને ચાલ્યા ગયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે મૃતકને મળવા આવેલા બંને વ્યક્તિઓની પોલીસે ઓળખાણ કરી છે. જે શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી સાથે મોટા પ્રમાણમાં નાણાં વ્યાજે ફેરવતા હતા. કરોડોની લેવડ-દેવડ મામલે ધમકી મળતા હતાશ થઈને કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યા હોવાનું પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે.
ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેમના 14 વર્ષની પુત્રી ઘરે હતા
બોપલમાં કબીર એક્લેવ પાસે આવેલા શીવાલીક રો હાઉસમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના શેર બ્રોકરના આપઘાતની રહસ્યમય ઘટનામાં બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. જે અનુસંધાનમાં ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું કે, ‘આ બનાવ મંગળવારે (પાંચમી ઓગસ્ટ) આશરે રાતના પોણા નવ વાગ્યાનો છે. ઘટના બની તે પહેલા કલ્પેશ ટુંડિયા અને તેમના 14 વર્ષની પુત્રી ઘરે હતા.
સાંજે સાડા સાત વાગે એક સફેદ કારમાં બે વ્યક્તિઓ કલ્પેશને મળવા માટે આવ્યા
સાંજે સાડા સાત વાગે એક સફેદ કારમાં બે વ્યક્તિઓ કલ્પેશને મળવા માટે આવ્યા હતા. ત્યારે કલ્પેશ તેમની સાથે મકાનના ઉપરના માળે આશરે એક કલાક સુધી બેઠા હતા અને પોણા નવ વાગે બંને વ્યક્તિ નીચે ઉતર્યા ત્યારે કલ્પેશ તેમને મુકીને ઘરમાં પરત આવ્યા હતા અને કપડા બદલીને નીચે આવવાનુ કહ્યા બાદ ઉપરના રૂમમાં ગયા ત્યારે ફાયરિંગનો અવાજ આવ્યો હતો. જેથી તેમની દીકરી ત્યાં દોડી ગઇ હતી અને જોયુ તો તેના પિતા લોહીલુહાણ હાલતમાં હતા. આ બનાવ અંગે તેણે તેની માતાને જાણ કરતા તે પણ આવી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બોપલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા.’
પોલીસને સ્થળ પરથી એક ફુટેલી કારતુસ મળી આવી
પોલીસને સ્થળ પરથી એક ફુટેલી કારતુસ મળી આવી હતી. પરંતુ, હથિયાર મળી ન આવતા આશંકા છે કે કલ્પેશને જ્યાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે અગાઉ તેમને મળવા આવેલા બે શખસો હથિયાર લઇને નાસી ગયા હતા. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નાણાંકીય લેવડ-દેવડના મામલે કલ્પેશે જીવન ટુંકાવ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે કલ્પેશ ટુંડિયાને મળવા આવેલા બંને સખશોની પણ ઓળખ કરી લીધી છે અને તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: રખડતાં ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી – HC












