અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: ઓલા, ઉબર, રેપીડો જેવા ઓનલાઈન વ્હીકલ બંધ કરવા રીક્ષા ચાલકની રજૂઆત; કલેકટર કચેરીએ રીક્ષાઓ મૂકી દઈશું

15 જુલાઇ 2025 અમદાવાદ: સહિત રાજ્યભરમાં રીક્ષા ચાલકના સંગઠનો તેમજ ગુજરાત રીક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025નો વિરોધ અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ટુ-વ્હીલર બંધ કરવા બાબતે વધુ એક વખત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત પહેલી નથી અગાઉ પણ આ રીતે રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત રજૂઆત કરવા આવતા તેમણે જિલ્લા કલેકટરને અમારી માંગણી ઉપર અમલ કરવા અન્યથા અમલ ન થાય તો અમારી રીક્ષાઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરીઓ મૂકી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના લાખો રીક્ષા ચાલકોની આજીવિકાનો પ્રશ્ન
ગુજરાત રીક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનનાં પ્રમુખ વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અમદાવાદ શહેર તેમજ ગુજરાતના રિક્ષાના યુનિયન સંગઠન સમિતિ એસોસિએશન દ્વારા 1) ઓનલાઇન એપ્લિકેશન ઓલા ઉબેર અને રેપીડો વગેરે કંપનીઓના શોષણ, 2) ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેસેન્જરમાં ચાલતા ટુ-વ્હીલર બંધ કરવા છેલ્લા બે વર્ષથી રાજ્યની તમામ ઓથોરિટીને લેખિતમાં આવેદનપત્રો અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જેમાં પરિસ્થિતિ માત્રને માત્ર અમુક બાઈક ચાલકને પકડી તેની પાસે દંડ લેવામાં આવ્યો છે. જ્યારે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેસેન્જર ટુ-વ્હીલર ચાલુ જ છે તેમજ આ કંપનીઓ દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ કિલોમીટરનુ ભાડું ન આપીને રિક્ષા ડ્રાઇવરોનું શોષણ પણ ચાલુ જ છે. જેથી અમદાવાદ સહીત ગુજરાતના લાખો રીક્ષા ચાલકોની આજીવિકાનો પ્રશ્ન છે જેને આજ દિન સુધી ધ્યાને લેવામાં આવ્યો નથી.

મોટર વ્હીકલ માર્ગદર્શિકા વિરોધના 3 મુખ્ય કારણ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટર વિહિકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025નો પણ અમો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે આ નિયમના અમલથી રિક્ષાના પેસેન્જર તેમજ રીક્ષા ડ્રાઇવરને ખૂબ જ મુશ્કેલી અને તકલીફ પડી શકે તેમ છે. જો કારણોની વાત કરીએ તો 1) ઓનલાઇન એપ્લિકેશન કંપનીઓને ભાડા વધારા ઘટાડા કરવાની છૂટ આપવી જેથી પેસેન્જરને અને ડ્રાઇવરોને વારંવાર તકરાર થઈ શકે છે. 2) ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રિક્ષા ડ્રાઇવરોને પણ સરકારી ધારા ધોરણ મુજબ ભાડું મળશે નહીં. 3) ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ટુ-વ્હીલરથી રિક્ષા ચાલકોની રોજી રોટી ઉપર સીધી અસર પડી શકે છે. ઉપરોક્ત મુખ્ય મુદ્દા સિવાય અન્ય ઘણા પણ તેમાં કારણો હોય જેથી અમો આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.

મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025ના વિરોધ માટેના ગંભીર મુખ્ય 2 પાસાઓ

1) ગેરકાયદેસર બાઇક અને ટેક્સી કામગીરી બંધ થવી જોઈએ જે મોટર વ્હિકલ એક્ટની કલમ 66નું ઉલ્લંધન છે. આવા કોઈ અધિકાર સરકાર પાસે નથી. અમે ભારત અને ગુજરાત સરકારને યાદ અપાવીએ છીએ કે સફેદ નંબર પ્લેટ (ખાનગી) મોટરસાયકલ અને કાર પર ચાલતી બાઇક અને ટેક્સીઓને ગેરકાયદેસર ગણવી જોઈએ. આ સેવાઓ મુસાફરોની સલામતી સાથે ચેડા કરે છે, કર ચોરી કરે છે અને લાઇસન્સ પ્રાપ્ત ટેક્સી, ઓટો અને બાઇક ડ્રાઇવરોની આજીવિકાને નુકસાન પહોંચાડે છે.

2) વધારો અને ટોચની કિંમત – બંને બાજુ નુકસાન નિમ્ન સમય દરમિયાન ભાડામાં 50% છુટ અને ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન ભાડામાં 2 ગણો ભાડાં વધારો કરવાની મંજૂરી આપે છે. જે વાસ્તવમાં મોટર વ્હિકલ એક્ટની કલમ 67 અને તમારી માર્ગદર્શિકાનાં નિયમ નંબર 12નું ઉલ્લંધન છે.

રીક્ષા યુનિયનોની માંગણીઓ

1) નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર્સ જે ઓલા, ઉબેર, રેપિડો જેવી અન્ય ખાનગી એગ્રીગેટર કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશનમાં ચાલે છે તેના પર તત્કાળ પ્રતિબંધ મૂકો અને આ તમામ કંપનીઓ પર કડકમાં કડક પગલાં લેવામાં આવે

2) આ તમામ ખાનગી એગ્રીગેટર કંપનીઓ દ્વારા ઓટો રિક્ષા ચાલકોને ગુજરાત સરકારની રેટ કમિટીએ નક્કી કરેલ રિક્ષા ભાડું આપતી નથી તે સરકાર દ્વારા દરમિયાનગીરી કરી અપાવવામાં આવે અથવા ઓટો રિક્ષાઓને પણ નોન ટ્રાન્સપોર્ટ સફેદ નંબર પ્લેટ નાખી રોજીરોટી રળવાની છૂટ આપવામાં આવે

3) ગુજરાત સરકાર દ્વારા ઓટો રિક્ષા ચાલકોના હિત માંટે તત્કાળ ધોરણે કલ્યાણ બોર્ડની રચના કરી તેમાં ઓટો રિક્ષાના માન્યતા પ્રાપ્ત સંગઠનોને સમાવવામાં આવે

છેલ્લા 2 વર્ષથી સતત વિરોધ છતાં નિરાકરણ નહીં
અંતે ગુજરાત રીક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનનાં જવાબદાર લોકોએ કલેકટરને જણાવ્યું હતું કે અમે આંદોલનની શરૂઆત કરી દીધી છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી આવેદનપત્ર, વિરોધ પ્રદર્શન, રેલી, ભૂખ હડતાળ તેમજ લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં કોઈ રસ્તો ન રહેતા અમો આપની કચેરી ખાતે અમારી રોજી રોટીનું વાહન મૂકી દઈશું

Back to top button