અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના તેમના પરિવારજનો સાથે કેવી રીતે મેચ થયા DNA? વાંચો વિગતવાર

અમદાવાદ, તા. 29 જૂન, 2025: 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા હતા અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. કુલ 260 મૃતકોની ઓળખ થઈ હતી. વિમાન દુર્ઘટનામાં DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ હતી. આ તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હતા.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, કમનસીબ AI 171 ફ્લાઇટમાં સવાર 241 પીડિતો પૈકી ચાર એક જ પરિવારના – પતિ, પત્ની, પુત્ર અને પુત્રી હતા. ફોરેન્સિક નિષ્ણાતોએ શરૂઆતમાં Y-STR (શોર્ટ ટેન્ડમ રિપીટ) ટેસ્ટ માટે સેમ્પલ મેળવવા માટે પુરુષના કાકા પર આધાર રાખ્યો હતો. જોકે, આ સંબંધ ચોક્કસપણે ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થયો નહીં. તેથી, નિષ્ણાતોએ ફરીથી પરિવારનો સંપર્ક કરીને મૃત પુરુષની માતાનું સેમ્પલ મંગાવ્યું અને X-STR ટેસ્ટ કર્યો.
ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ (DFS) ના નિયામક એચ.પી. સંઘવીએ જણાવ્યું હતું કે, આ વ્યૂહરચના કારગત નીવડી. અદ્યતન DNA પ્રોફાઇલિંગનો ઉપયોગ કરીને ઝીણવટભર્યા કિન્સિપ વિશ્લેષણ દ્વારા, ટીમે સફળતાપૂર્વક પુરુષની ઓળખ સ્થાપિત કરી, જે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ઓળખવામાં મુખ્ય સાબિત થઈ હતી.

DNA ફોરેન્સિક્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ના કોઓર્ડિનેટર ડો. મલય શુક્લાએ જણાવ્યું હતું કે એક કિસ્સામાં એક જ પરિવારના ત્રણ સભ્યો – એક પુરુષ, તેની પત્ની અને પુત્રીનો સમાવેશ થતો હતો. પ્રો. શુક્લાએ કહ્યું, આ કિસ્સામાં, અમને દંપતીની બીજી પુત્રી પાસેથી સંદર્ભ DNA મળ્યો. પીડિતો અને દાતા વચ્ચેનો સંબંધ સંકુચિત કરવા માટે ઓટોસોમલ (નોન-સેક્સ ક્રોમોઝોમ) માર્કર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચારેય એકબીજા સાથે સંબંધિત છે તેની ચકાસણી કરવા માટે, X-STRs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. X-STR અને ઓટોસોમલ STR બંનેના ઉપયોગથી, અમે ઓળખ સ્થાપિત કરી શક્યા હતા.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે DNA ફોરેન્સિક્સમાં CoE ના વડા ડો. ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે તેઓએ પીડિતોના DNA સેમ્પલ ભત્રીજા, પિતરાઈ ભાઈઓ, દાદા-દાદી અને માતૃ અથવા પિતૃ પક્ષના કાકાઓ સાથે મેચ કર્યા છે. તેમણે કહ્યું, પરંપરાગત મેચોમાં, અમે સામાન્ય રીતે ઓળખ સ્થાપિત કરવા માટે X-STR, Y-STR અથવા ઓટોસોમલ STR ટેસ્ટ પર આધાર રાખીએ છીએ. પરંતુ દુર્ઘટના સાથે સંકળાયેલા કિસ્સાઓમાં, ઘણા કિસ્સાઓમાં એક કરતાં વધુ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં, માઇટોકોન્ડ્રીયલ DNA મેચોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે ન્યુક્લિયર DNA (X અને Y ક્રોમોઝોમ્સ સાથે) બંને માતા-પિતા પાસેથી વારસામાં મળે છે, ત્યારે માઇટોકોન્ડ્રીયલ DNA (mtDNA) માતૃ પક્ષે વારસામાં મળે છે.
X-STR માર્કર્સ માતાથી પુત્રી અને પુત્રમાં, અને પિતાથી પુત્રીમાં વારસામાં મળે છે, પરંતુ પિતાથી પુત્રમાં નહીં. તેવી જ રીતે, mtDNA માતૃ પક્ષે વારસામાં મળે છે અને માતૃ રેખા સાથે મેચ કરી શકાય છે.

વિજય રૂપાણીની ઓળખ કેવી રીતે થઈ?
વિમાન દુર્ઘટનાના જાણીતા કિસ્સાઓમાંથી એકમાં, પૂર્વ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઓળખ તેમના ભત્રીજા પાસેથી પિતૃ રેખાના Y-STR નો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. અગાઉ, તેમની બહેન અને પુત્રે મેચ માટે સેમ્પલ આપ્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું કે DNA સેમ્પલની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે, તેઓ મુખ્યત્વે દાંત પર આધાર રાખતા હતા. તેમની બીજી પસંદગી હડપચી (જબડું) અને કોલરબોન (ક્લેવિકલ) જેવા હાડકાં હતી. નિષ્ણાતોના મતે, ઘણા સેમ્પલ અત્યંત બગડેલી સ્થિતિમાં હતા, તેમ છતાં ટીમે તમામ સેમ્પલ મેચ કરવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ ૨૬૦ પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોપાયા












