ગુજરાત

Ahmedabad: દાણીલીમડામાં નશાકારક કફ સિરપના જથ્થા સાથે એકની ધરપકડ

Ahmedabad News: અમદાવાદ શહેરના દક્ષિણ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. દાણીલીમડા પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન લાખોના કફ સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બીજી બાજુ બહેરામપુરામાં ચોરીનો ઠપકો આપવા ગયેલા ફ્રુટના વેપારી પર જીવલેણ ચપ્પુ વડે હુમલો થવાની ઘટના સામે આવી છે.

ઓટો રિક્ષામાં કફ સિરપ વેચતો સાહિલ શેખ ઝડપાયો

દાણીલીમડા પોલીસને નાઈટ કોમ્બિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ન્યુ ફૈઝલનગર પાસેના ખુલ્લા મેદાનમાં એક ઓટો રિક્ષા દ્વારા ગેરકાયદેસર નશાકારક કફ સિરપનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી સાહિલ શેખને રંગેહાથ ઝડપી લીધો હતો. તેની પાસેથી કફ સિરપની 317 બોટલ, મોબાઈલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂ. 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો તે દાણીલીમડાના જ મહમંદ સલામન ઉર્ફે બાબા મારવાડી પાસેથી લાવ્યો હતો. હાલ પોલીસે બાબા મારવાડીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

લારીમાંથી રૂપિયાની ચોરી કરી

બીજી ઘટના બહેરામપુરા વિસ્તારની છે, જ્યાં નારણભાઈ પુરાણીયા નામના વ્યક્તિ ફ્રુટની લારી ચલાવે છે. ગત 5 એપ્રિલના રોજ નારણભાઈ લઘુશંકા કરવા ગયા ત્યારે પાડોશી લારીવાળાને ધ્યાન રાખવા કહી ગયા હતા. આ દરમિયાન જતીન પરમાર નામનો શખ્સ લારીમાંથી રૂપિયા ચોરીને ભાગી ગયો હતો.

જ્યારે નારણભાઈ પરત આવ્યા અને પાડોશીએ ચોરીની જાણ કરી, ત્યારે તેઓ જતીનને ઠપકો આપવા ગયા હતા. ચાલીના નાકે જતીન મળી આવતા નારણભાઈએ તેને ચોરી અંગે પૂછતા તે ઉશ્કેરાઈ ગયો હતો. જતીને બિભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી નારણભાઈને બે ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: Botad: SMCનો મોટો દરોડો, 93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 14 જુગારીઓને ઝડપ્યા

Back to top button