Botad: SMCનો મોટો દરોડો, 93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 14 જુગારીઓને ઝડપ્યા

Botad News: બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડીને SMCની ટીમે લાખોની રોકડ અને લક્ઝરી ગાડીઓ સહિતનો મસમોટો મુદ્દામાલ જપ્ત કરતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
કરોડોની કિંમતનો મુદ્દામાલ અને લક્ઝરી ગાડીઓ જપ્ત
SMC દ્વારા કરવામાં આવેલી આ ઓચિંતી રેડ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી 9.24 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. જુગારીઓ જે આલીશાન ગાડીઓમાં જુગાર રમવા આવ્યા હતા તેવી 7 લક્ઝરી ગાડીઓ અને 15 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસના સત્તાવાર રિપોર્ટ મુજબ, રોકડ, વાહનો અને મોબાઈલ મળીને કુલ 93.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુખ્ય સૂત્રધાર સહિત 14 શખ્સો સકંજામાં
SMCની ટીમે જુગાર રમતા કુલ 14 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. આ કાર્યવાહીની સૌથી મહત્વની કડી એ છે કે, આ જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી પણ પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો
આ જુગારધામ પાળિયાદ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ પણ ન આવી, તે બાબતે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જ્યારે ગાંધીનગરથી આવેલી SMCની ટીમ આટલું મોટું નેટવર્ક પકડી પાડે છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી અને તેમની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: ફિલ્મ ફ્લોપ થઈ તો અક્ષયે પ્રોડ્યુસરને પાછો આપી દીધો ચેક, એકતા કપૂરે કહ્યું- ‘હું તો ચોંકી ગઈ…’











